૨૦૧૨માં શ્રીલંકા માટે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરનારો કરુણારત્ને આવતા મહિને ઓસ્ટ્રેલિયા જનારો છે જ્યાં તેનો પરિવાર સેટ થયેલો છે
Mumbai, તા.૫
શ્રીલંકાનો અનુભવી બેટ્સમેન અને ભૂતપૂર્વ સુકાની દિમુથ કરુણારત્ને ગુરુવારથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની બીજી અને અંતિમ ટેસ્ટ રમીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેશે. આ મેચ તેની કારકિર્દીની ૧૦૦મી ટેસ્ટ છે. ૩૬ વર્ષીય કરુણારત્ને શ્રીલંકન ટેસ્ટ ઇતિહાસમાં સૌથી સફળ બેટ્સમેન પૈકીનો એક છે. તેણે અત્યાર સુધીમાં ૯૯ ટેસ્ટમાં ૭૧૭૨ રન કર્યા છે અને તેની સરેરાશ ૪૦ની નજીકની રહી છે. આ દરમિયાન તેણે ૧૬ સદી અને ૩૪ અડધી સદી ફટકારી હતી. તે છેલ્લા ૧૪ વર્ષથી શ્રીલંકા માટે રમી રહ્યો છે. આ ઉપરાંત કરુણારત્ને શ્રીલંકા માટે ૫૦ વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે જેમાં તેણે એક સદી અને ૧૧ અડધી સદી સાથે ૧૩૧૬ રન ફટકાર્યા છે. કરુણારત્નેએ મંગળવારે જણાવ્યું હતું કે વર્ષમાં સરેરાશ ચાર ટેસ્ટ રમવી અને સતત ફોર્મ જાળવી રાખવું તે વર્તમાન ક્રિકેટને જોતાં કપરી બાબત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો ત્યાર બાદ અમને ઘણી ઓછી દ્વિપક્ષીય સિરીઝ રમવાની મળી છે. મારું વર્તમાન ફોર્મ પણ એક અલગ કારણ છે. હું મારી ૧૦૦ ટેસ્ટ પૂરી કરી રહ્યો છું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલ પણ પૂરી થઈ રહી છે ત્યારે મેં વિચાર્યું કે આ યોગ્ય સમય છે.૨૦૧૨માં શ્રીલંકા માટે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરનારો કરુણારત્ને આવતા મહિને ઓસ્ટ્રેલિયા જનારો છે જ્યાં તેનો પરિવાર સેટ થયેલો છે. ૨૦૦૮માં તેણે સિંહાલિઝ સ્પોટ્ર્સ ક્લબ (એસએસસી) માટે તેના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો પ્રારંભ કર્યો હતો. હવે ૧૪મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકન ડોમેસ્ટિક ટુર્નામેન્ટની મેચમાં તે એનસીસી સામે રમીને એસએસસી માટે તેની કારકિર્દીની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમશે.કરુણારત્નેએ ઉમેર્યું હતું કે નિવૃત્તિ બાદ મારા કેટલાક અંગત પ્લાન છે અને ટીમના સિનિયર એવા એંજેલો મેથ્યુઝ અને દિનેશ ચંદીમલ સાથે આ અંગે મંત્રણા કર્યા બાદ મેં આ નિર્ણય લીધો છે. અમે ત્રણેય એક સાથે નિવૃત્ત થઈએ તેના કરતાં એક પછી એક નિવૃત્તિ લઈએ તે બહેતર રહેશે તેમ પણ અમે વિચાર્યું હતું. તેમાં મેં પહેલા નિવૃત્ત થવાનો નિર્ણય લીધો કેમ કે હું જાણતો હતો કે હું મારા આગામી લક્ષ્યાંક દસ હજાર રન સુધી પહોંચી શકું તેમ નથી. હાલમાં જે સંખ્યામાં મેચો રમાઈ રહી છે તે જોતાં આ લક્ષ્યાંક શક્ય નથી. આમ મેં અત્યાર સુધીમાં જે કાંઈ હાંસલ કર્યું તેનાથી હું સંતુષ્ટ છું.