Jamnagar,તા.17
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને બેફામગતિએ કાર ચલાવતાં અકસ્માતે કાર પલટી મારી ગઈ હતી, અને આડે પડખે થઈ હતી. જેથી કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી.
ઉપરાંત કાર ત્રણ સ્કૂટર સાથે પણ ટકરાઈ હતી, અને નુકસાની થઈ હતી. જેમાં પણ એક યુવક ઘાયલ થયો હતો. આ બનાવને લઈને સ્થાનિક વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કેવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ગઈકાલે બપોરે જી.જે. 03 એન.પી. 2662 નંબરની ઇકો કારનો ચાલક પુરપાટ ઝડપે પોતાની કાર લઈને નીકળ્યો હતો, અને નાની સાંકડી શેરીમાંથી કારને પસાર કરવા જતાં અકસ્માતે કાબુ ગુમાવી બેઠો હતો, અને કાર આડે પડખે થઈને ઢસડાઈ હતી. તેથી કાર ચાલક તેમજ કારમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓ કે જેઓને સામાન્ય ઇજા થઈ હતી.
ત્યારબાદ કાર ત્યાં પડેલા ત્રણ સ્કૂટર સાથે ટકરાઈ ગઈ હતી, અને ત્રણેય સ્કૂટરમાં નુકસાની થઈ હતી. જયારે એક યુવાન પણ ઘાયલ થયો હતો.
આ અકસ્માતના ધડાકા સાથેના અવાજને લઈને આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. કારમાં બેઠેલી ત્રણ વ્યક્તિઓ તથા એક સ્કૂટર સવાર સહિત ચારેયને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવી પડી હતી. જોકે તમામને રજા આપી દેવામાં આવી હતી.
આ બનાવની જાણ થતાં સિટી બી. ડિવિઝન નો પોલીસ કાફ્લો ઘટના સ્થળે, તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. જો કે હજુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી, પરંતુ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.