Solar RooFtop ની વધારાની વિજળી ગ્રાહક પોતાના પાડોશી કે ગમે તેને આપી શકશે

Share:

Rajkot, તા.1
ક્લાયમેટ ચેન્જની અસરે ભારત સહિત દુનિયાભરના દેશોમાં ગરમ વાતાવરણનો ગાળો વધી રહ્યો છે. વિજ વપરાશમાં પણ મોટો વધારો થઇ રહ્યો છે. વિજ વપરાશમાં પણ મોટો વધારો થઇ રહ્યો છે. પરંપરાગત વિજ ઉત્પાદનને બદલે સોલાર-પવન ઉર્જા જેવા બિન પરંપરાગત વિજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

તેવા સમયે ગુજરાતમાં ઘણા પ્રચલિત રૂફટોપ સોલાર પ્રોજેક્ટમાં નવું પાસુ ઉમેરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી સૌરઉર્જા મેળવતા ગ્રાહકે હાલ વધારાની વિજળી વિજ તંત્રને આપવી પડતી હોય છે પરંતુ તેના બદલે પાડોશી કે શહેરમાં અન્ય કોઇપણને આપી શકે તેવી યોજના પર કામગીરી શરૂ થઇ છે અને નવા વર્ષ-2025માં આ પ્રોજેક્ટ અમલમાં આવી જવાની સંભાવના છે.

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ (પીજીવીસીએલ)ના સૂત્રોએ કહ્યું કે, સોલાર રૂફટોપ યોજનામાં સરકાર નાણાંકીય પ્રોત્સાહન-સબસીડી આપતી હોવાથી આકર્ષણ સતત વધી જ રહ્યું છે. ગુજરાતમાં સોલાર રૂફટોપ હેઠળ વિજળી મેળવતા  ગ્રાહકોની સંખ્યા 3 લાખ જેવી થઇ જ ગઇ છે અને તેમાં વધુને વધુ વધારો થઇ રહ્યો છે.

વર્તમાન વ્યવસ્થા પ્રમાણે રૂફટોપમાં ઉત્પાદિત વિજળીનો ગ્રાહક સંપૂર્ણ વપરાશ ન કરતો હોય અને વિજળી સરપ્લસ રહેતી હોય તો તે વિજતંત્રને ગ્રીડ મારફત આવી ધ્યે છે અને તેના બદલામાં ગ્રાહકને તેટલી વિજળીનું ‘સેટ-ઓફ’ મળતું હોય છે. ઉદાહરણ તરીકે 1000 યુનિટનું ઉત્પાદન હોય અને ગ્રાહકનો વપરાશ 800 યુનિટ થતો હોય તો સરપ્લસ 200 યુનિટ વિજતંત્રને આપી દેવાતા હોય છે અને તેના બદલામાં ગ્રાહકને નિશ્ચિત દરે સેટઓફ મળતું હોય છે.

હવે આ સિસ્ટમમાં મહત્વપૂર્ણ અપડેટ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત સરપ્લસ વિજળી વિજતંત્રને આપવાના બદલે ગ્રાહક પોતાના આડોશી-પાડોશી કે શહેરના કોઇપણ ખુણે વસતા સગા-સંબંધીઓને આપી શકશે. સોલાર રૂફટોપમાંથી ઉત્પન્ન થયેલી વિજળી ગ્રાહકો સમૂહ રીતે ઉપયોગમાં લઇ શકશે.

વિજ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, સોલાર રૂફટોપ પ્રોજેક્ટમાં નવું આકર્ષણ-પ્રોત્સાહન આપતો આ પ્રોજેક્ટ હજુ ઘણા પ્રાથમિક તબકકે છે. મહારાષ્ટ્ર જેવા અમુક રાજ્યોમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઇ જ ગઇ છે. તેનો અભ્યાસ કરીને ગુજરાતમાં સમાન સુવિધા ઉભી કરવાની તૈયારી છે.

ગુજરાતમાં પીજીવીસીએલ સહિત ચાર સરકારી વિજ વિતરણ કંપનીઓ છે. તબકકાવાર તમામ વિજ કંપનીઓ સોલાર રૂફટોપ યોજના અંતર્ગત નવી સુવિધાનો ઉમેરો કરે તેવી સંભાવના છે.

વિજતંત્ર દ્વારા નવા આધુનિક પ્રોજેક્ટો આકાર લઇ જ રહ્યા છે. શહેરોના માર્ગોને વિજ તારથી મુક્ત કરવા માટે અંડરગ્રાઉન્ડ કોલબીંગ, દર મહિને-બે મહિને વિજબીલ આપવાના બદલે પ્રિ-પેઇડ સુવિધા આપતા સ્માર્ટ મીટર સહિતની યોજનાઓ લાગૂ થઇ જ છે અને માર્ચ-2026 સુધીમાં પૂર્ણ કરવાના ટારગેટ છે. ભલે સ્માર્ટ મીટર યોજનામાં અવરોધ સર્જાયો છે. પરંતુ તે ફરી ફરજીયાત કરવામાં આવે તેવી શક્યતા નકારાતી નથી.

ફલેટ-સોસાયટી માટે પણ ખાસ પ્રોજેક્ટ હશે
સૂત્રોએ કહ્યું કે ટેનામેન્ટના બદલે હવે ફલેટ-સોસાયટીઓનું ચલણ વધી ગયું છે. જ્યાં વ્યક્તિગત ફલેટધારક માટે રૂફટોપ સોલાર શક્ય બનતું નથી પરંતુ નવા સૂચિત પ્રોજેક્ટમાં ફલેટ-સોસાયટીઓને ફોક્સમાં રાખવામાં આવી છે. ફલેટના કોમન લાઇટીંગ ઉપરાંત દરેક ફલેટધારકને પણ સોલાર વિજળી મળી શકે તે માટે કોમન પ્લાન્ટ તૈયાર કરવાની યોજના પણ નક્કી થઇ રહી છે. વર્ચ્યુઅલ નેટ મીટરીંગ હેઠળ નિયમનો પણ બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *