New Delhi,તા.12
ગુજરાત-રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ઉનાળાના પ્રારંભે જ હીટવેવ શરૂ થઈ ગઈ છે ત્યારે કાશ્મીરથી કેદારનાથ સુધી પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદને કારણે વાતાવરણ ટાઢુબોળ બન્યુ છે.
દેશના જુદા-જુદા ભાગોમાં હવામાનનું વિચિત્ર અને વિરોધાભાસી સ્વરૂપ સર્જાયુ છે. કાશ્મીર સહિત સમગ્ર ઉતરપશ્ર્ચીમ ભારતના પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદનો દોર જારી રહ્યો હતો. ઉતરાખંડના કેદારનાથ તથા આસપાસના ક્ષેત્રોમાં વરસાદ સાથે હિમપાત સર્જાયો હતો.
કાશ્મીરમાં ગુલમર્ગ, જોજીલા, રાજદાન પાસ સહિત અનેક ભાગોમાં સતત બીજા દિવસે વ્યાપક વરસાદ તથા હિમવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશમાં મનાલી-કેલાંગ નેશનલ હાઈવે પર ઓલંગનાલાની નજીક ત્રણ સ્થળોએ હિમસ્ખલન થયુ હતું.
હવામાન વિભાગ દ્વારા એમ કહેવાયુ છે કે નવુ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ સક્રીય થઈ રહ્યુ છે અને તેને કારણે ફરી હવામાનપલ્ટો થવાની સંભાવના છે. 14 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીર, લદાખ, ગીલગીટ, બાલ્ટીસ્તાન, મુઝફરાબાદ તથા હિમાચલપ્રદેશમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ તથા હિમવર્ષાની સંભાવના છે.
બીજી તરફ ગુજરાત, રાજસ્થાન સહિત પશ્ચિમ તથા મધ્યભારતના મેદાની ભાગોમાં ઉનાળાનો પ્રકોપ રહેવા સાથે પારો ઉંચાઈએ ચડી રહ્યો છે. ગુજરાત તથા રાજસ્થાનના અમુક ભાગોમાં તાપમાનનો પારો 42 ડીગ્રીને પાર થઈ ગયો હતો.
ડઝનબંધ શહેરોમાં 40 ડીગ્રીને પાર થયો હતો. ઓડિશા, વિદર્ભ, કોંકણ તથા ગોવાના જુદા-જુદા ભાગોમાં 40 ડીગ્રીને આંબ્યો હતો. ઉનાળો આગળ વધે તે પુર્વે જ લૂ ફુંકાવાના દિવસો વ્હેલા શરૂ થઈ ગયા છે.