ગાંજો, ટ્રક મળી રૂ. 23.44 લાખનો મુદ્દામાલ કબ્જે : ફરાર શખ્સની શોધખોળ
Rajkot,તા.25
ગોંડલમાં એસએમસીએ દરોડો પાડી 33 કિલો ગાંજા સાથે ટ્રક ડ્રાયવર અને ક્લિનરને ઝડપી લીધા છે. એસએમસીએ રૂ. 23.44 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ એક શખ્સની શોધખોળ શરૂ કરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયા દ્વારા ગાંજાની હેરાફેરી પર બાજ નજર રાખી એનડીપીએસ એક્ટ હેઠળ ગુના દાખલ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાને પગલે એસએમસી પીઆઈ એ જે ચૌહાણની ટીમને ગત તા. 23/4/2025 ના રોજ બાતમી મળી હતી કે રિયાઝશા ઉમરશા ફકીર (રહે. વોરાકોટડા રોડ, હુડકો ક્વાટર્સ, ગોંડલ,રાજકોટ) પોતાની પાસે એક અશોક લીલેન્ડ ટ્રક નંબર જીજે-03-બીવી-0264 માં ગેરકાયદે ગાંજાનો જથ્થો લોખંડની પાઇપની આડમાં ભરી લાવી સણાથલ સર્કલ, નવાપુરા રોડ, ગોપાલ કોમ્પલેક્ષની પાછળ જાહેર રોડ ઉપર તેના ક્લીનર ઝફર ઉર્ફે ભૂરો જીકરભાઈ સોલંકી સાથે હાજર છે. દરોડો પાડતા બાતમી વાળો ટ્રક પાર્થ ઇન્ડસ્ટ્રીઝ સામે એએસપી પાઇપ્સની દિવાલ પાસે ઉભેલ મળી આવ્યો હતો અને તેની સાથે બે ઈસમો હાજર મળી આવતા એસએમસીએ ટ્રકને કોર્ડન કરી સરકારી પંચો સાથે સર્ચ કરતા ટ્રકના કેરિયરના ભાગેથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન ૩૩.૧૨૫ કિલોગ્રામ જેની કિંમત રૂ. 3,31,250 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 23,44,690 ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાયવર રિયાઝશા ઉમરશા ફકીર (રહે. ગોંડલ,રાજકોટ) તથા ટ્રક ક્લિનર ઝફર ઉર્ફે ભૂરો જીકરભાઈ સોલંકી (રહે. રૈયા રોડ, રાજકોટ)ને પકડી પાડવામાં આવ્યા હતા. એસએમસીની પૂછપરછમાં બંને શખ્સોંએ કબુલાત આપી હતી કે, ગાંજાનો જથ્થો છત્તીસગઢ બોર્ડરને અડીને ઓરિસ્સા રાજ્યની હદમાં આવેલ ગંજામ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી અમન નામના શખ્સ પાસેથી લાવી મોઈન જીકરભાઈ સોલંકી મારફતે છૂટકમાં વેપાર ધંધો કરવા માટે માદક પદાર્થનો જથ્થો લાવ્યાનો ખુલાસો બંને આરોપીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. મામલામાં એસએમસીએ ઝડપાયેલા બંને શખ્સ તેમજ ફરાર મોઈન જીકરભાઈ સોલંકી વિરુદ્ધ એસએમસી પોલીસ સ્ટેશન ખાતે એડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ પીઆઇ એચ એ રિષીનને સોંપી છે.