Rajkot,તા.23
કાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 548માં પ્રાકટય મહોત્સવની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી થશે.આ પ્રસંગે વરણાંગી, પ્રભાત ફેરી, વધાઈ કીર્તન, રાજભોગ, મહાસત્સંગ સહિતનાં આયોજનો કરવામાં આવેલ છે.
રાજકોટમાં સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા આવતીકાલે સાંજે દરબારગઢ હવેલીથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટમાં બિરાજતા સર્વ વલ્લભકુળના બાબતે ઉપસ્થિત રહેનાર છે. સત્સંગ સહિતના આયોજનો કરાયા છે.
પાલીતાણા:- વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવની ઉજવણી અંતર્ગત વી.વાય.ઓ.પાલિતાણાની ત્રણેય વીંગ દ્વારા તા.24ને ગુરૂવારે સવારે 6.30 કલાકે મુરલીધરજીની નાની હવેલીએથી પ્રભાત ફેરીનું આયોજન કરાયું છે. દરેક વૈષ્ણવ ભાઈઓ બહેનોને આ પ્રભાતફેરીમાં જોડાવા અનુરોધ કરેલ છે. પ્રભાતફેરી મુરલીધરજીની હવેલીએથી પ્રસ્થાન કરીને મેઈન બજાર દાણાપીઠમાં થઈને સરાણીયા બજારમાંથી શ્યામલાલજીની હવેલીએ જશે.
ત્યાં મંગળા આરતીના દર્શન કરીને બંન્ને હવેલીએ ધોતી, ઉપરણા, નાળીયેર અને સાકરનો પડો શ્રી મહાપ્રભુજીને ધરાશે.બંન્ને હવેલીએ રાજભોગ થશે.સાંજના કાર્યક્રમમાં વીવાયઓની કમીટીના મેમ્બરો, વીવાયઓ સત્સંગનાં વૈષ્ણવો માટે ભગિની મિત્ર મંડળ સર્વોદય સોસાયટીમાં ભોેજન મહાપ્રસાદનું આયોજન સાંજે 7 થી 9 સુધી કરેલ છે. બાદ તે જ સ્થળ રાત્રીના 9.30 કૌશીકભાઈ દેવલુકના કલાવુંદો દ્વારા સત્સંગનું પણ આયોજન છે.
ભાવનગર:-આગામી 24 એપ્રિલ ગુરુવારે સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર ઉત્સવ સંકલ્પ ભાવનગર વૈષ્ણવ સમાજ આયોજિત જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજી ના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂ. નવનીતલાલજી મહારાજશ્રીની આજ્ઞા તથા પૂ. આનંદબાવાશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા શ્રી છબિલાજી પ્રભુ ના અલૌકિક મનોરથનું આયોજન થયેલ છે.
આયોજન અંતર્ગત ગુરુવારે સવારે 6.30 વાગે પૂ. શ્રીવલ્લભકુલ આચાર્યોના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન તથા કીર્તન મંડળી સાથે પ્રભાતફેરી નીકળશે તથા નંદાલય હવેલી ની પ્રદક્ષિણા થશે ત્યારબાદ હવેલી પર પૂજ્ય આચાર્યચરણના સાનિધ્યમાં સમૂહપાઠ ગાન તથા મંગલા આરતી ના દર્શન થશે.
સવારે 11 વાગે ફૂલ મંડળી તથા શ્રીછબીલાજી પ્રભુના એવમ શ્રી પાદુકાજીતિલકના દર્શન થશે.સાંજે 5 થી 10 દરમિયાન અત્રે નંદાલય હવેલી પર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થયેલ છે.
સાંજે 5.30 વાગે પૂજ્ય આનંદ બાવાશ્રી ના આશીર્વચન, પાઠશાળા ના બાળકો દ્વારા મંગલા ચરણ તથા ઈનામ વિતરણ થશે. ત્યારબાદ પૂજ્ય વલ્લભકુલ આચાર્ય ના પાવન સાનિધ્ય માં ડંકા નિશાન કીર્તન મંડળી સાથે શ્રી મહાપ્રભુજી ના સ્વરૂપ ને સુશોભિત બગી માં પધરાવી ભવ્ય શોભાયાત્રા નીકળશે ત્યારબાદ કીર્તન ક્લાસ ના વૈષ્ણવો દ્વારા વધાઈ કીર્તન, નંદ મહોત્સવ તથા શ્રીછબીલાજી પ્રભુના શીતલ કુંજ મનોરથના દર્શન થશે.સમગ્ર આયોજનમાં જોડાવા નંદાલય હવેલી ઉત્સવ સંકલ્પ સમિતિ તરફથી સર્વે વૈષ્ણવો ને હાર્દિક આમંત્રણ પાઠવાયુ છે.
જેતપુર:- જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સંપ્રદાય શ્રી મોટી હવેલી જેતપુર ની ઉત્સવ સમિતિ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્યચરણ પ્રાકટ્ય મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ પૂજ્ય પાદ ગોસ્વામી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં તેમજ પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે.
હવેલી ઉત્સવ સમિતિ તેમજ ખઢખ ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ ઉજવણીની મળેલી માહિતી મુજબ સંવંત 2081 ચૈત્ર વદ્દ 11 ને ગુરૂવાર તા.24-4ના રોજ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજીના 548 માં પ્રાકટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી થશે.
જેમાં શ્રી વલ્લભાચાર્ય વંશાવતંશ નિ.લિ.ગો 1008 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના આત્મજ પરમ પૂજ્ય ગો.108 શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રી બિરાજમાન થશે. ઉત્સવના આગલા ત્રણ દિવસ ચૈત્ર વદ 7,8,9 તા.20,21,22-4-2025 દરમિયાન ત્રિ-દિવસીય ભાગવત અધ્યયન સત્ર કાર્યક્રમ રાખેલ છે. ઉપરાંત ચૈત્ર વદ 10ને બુધવારના તારીખ 23-4-2025 ના રોજ સાંજે 4 કલાકે શ્રી વલ્લભાષ્ટકમ ના 108 પાઠ તેમજ સાંજે 6 કલાકે જનાના વિભાગમાં બહેનો દ્વારા કાર્યક્રમો થશે.
તા.24-4-2025 ગુરુવારના મુખ્ય મહોત્સવના દિવસે સવારે 6:30 કલાકે પ્રભાત ફેરી તેમજ 7:30 કલાકે પુષ્ટિ ધ્વજ વંદન,8:15 કલાકે શ્રી સર્વોત્તમ સ્તોત્રમ પાઠનું પઠન થાશે. બપોરે રાજભોગમાં તિલકના દર્શન થશે અને ત્યારબાદ સાંજે 5:00 કલાકે કીર્તન મંડળી અને બેન્ડવાજા સાથે ઉત્સવની શોભાયાત્રા બંને વૈષ્ણવાચાર્યની ઉપસ્થિતિમાં મોટી હવેલી એથી નીકળી ગોંડલ દરવાજા થઇ ફૂલવાડી,ચાંદની ચોક,સ્ટેન્ડ ચોક,એમ.જી.રોડ,ધોરાજી દરવાજા,મોટાચોક થઇ શ્રીમોટી હવેલી પરત પહોંચી ધર્મસભાના રૂપમાં ફેરવાશે.જેમાં સંતો મહંતોની હાજરીમાં શ્રી મહાપ્રભુજી,શ્રી વલ્લભાચાર્યજીનું આચાર્ય પૂજન થયા બાદ પૂજ્ય મહારાજશ્રીના પ્રવચન થશે.અંતમાં આપશ્રીના કેસરી સ્નાન અને ચરણ સ્પર્શ થશે.આ પ્રાકટ્ય મહોત્સવના દરેક કાર્યક્રમોનું આયોજન સ્થળ જગદ્ગુરુ શ્રી વલ્લભાચાર્ય સંપ્રદાય,શ્રી મોટી હવેલી,ગોંડલ ગેઇટ ઉપર જેતપુર રહેશે.
આ સમગ્ર આયોજનમાં શહેરના નામાંકિત ઉદ્યોગપતિ અને શહેરી આગેવાનો ઉપસ્થિત રહેશે.શ્રી મોટી હવેલી સમિતિના દરેક સભ્યો આ ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાના આયોજનને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વ્રજ વિલાસ મોટી હવેલીનું નવનિર્માણનું કાર્ય જેમના પૂરતા સાથ સહયોગથી ચાલી રહ્યુ છે એવા ઘણાં દાતાશ્રીઓ પણ શોભાયાત્રા તેમજ ધર્મસભામાં હાજરી આપશે.આ ભવ્ય ત્રણ દિવસના ઉત્સવ ઉજવણીમાં દરેક વૈષ્ણવ પરિવાર તેમજ શહેરની ધર્મપ્રેમી પ્રજાને હવેલી પ્રસાશન તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
વૈષ્ણવોના પૂજનીય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના 548 માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ખંભાળિયામાં આગામી ગુરૂવાર તારીખ 24 ના રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ગુરુવારે સવારે 6:30 વાગ્યે રાત્રે શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરિરાજજી દુગ્ધસ્નાન પછી સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી પલનાના દર્શન થશે. બપોરે 1 વાગ્યે રાજભોગના દર્શનમાં તિલક આરતી તેમજ સાંજે 6 થી 7:30 વાગ્યે સુધી ડોલરની ફુલ મંડલીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે સાંજે યોજવામાં આવેલી શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રામાં મહિલા વૈષ્ણવોએ કેસરી વસ્ત્રો પરિધાન કરી, મંગલ કલશ લેવાનું રહેશે. આ શોભાયાત્રામાં સહભાગી થવા તેમજ વિવિધ દર્શનનો લાભ લેવા બેઠકજીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવોને અનુરોધ કરવામાં આવ્યો છે.