Mumbai,તા.30
ભારતીય ટીમના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સામેલ કરવામાં આવ્યો નહોતો. શાર્દુલ 2020માં ગાબા ટેસ્ટમાં ભારતને મળેલી જીતના હીરોમાં સામેલ હતો. SENA દેશોમાં થનાર ટેસ્ટમાં તે છેલ્લા અમુક વર્ષથી ભારતનો મુખ્ય ખેલાડી હતો પરંતુ ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદથી તેને કોઈ ફોર્મેટમાં તક મળી નથી. રણજી ટ્રોફીમાં કમાલનું પ્રદર્શન કરીને શાર્દુલ સતત દાવો રજૂ કરી રહ્યો છે. જમ્મુ વિરુદ્ધ છઠ્ઠા રાઉન્ડની મેચમાં તેણે અડધી સદી અને સદી ફટકારી હતી. ત્યારે મુંબઈ ખૂબ ખરાબ સ્થિતિમાં હતી. મુંબઈની ટીમ રણજી ટ્રોફીના 7માં રાઉન્ડમાં મેઘાલય સામે ટકરાઈ રહી છે.
શાર્દુલ ઠાકુરે લીધી હેટ્રિક
મુંબઈના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે આ મેચમાં હેટ્રિક લીધી છે. મેઘાલય વિરુદ્ધ શરદ પવાર ક્રિકેટ એકેડેમી બીકેસીમાં પોતાની બીજી જ ઓવરમાં તેણે આ કારનામું કરી દીધું. મેઘાલય ઈનિંગના ત્રીજી ઓવરના ચોથા બોલ પર શાર્દુલે અનિરુદ્ધ બી ને આઉટ કર્યો. તે બોલ્ડ થયો. તે બાદ સુમિત કુમારનો કેચ શમ્સ મુલાનીએ લીધો. ઓવરના અંતિમ બોલ પર શાર્દુલે જસકીરત સિંહને બોલ્ડ કર્યો. ત્રણેય બેટ્સમેનોનું ખાતું ખોલ્યું નહીં.
રણજી ટ્રોફીમાં મુંબઈ માટે હેટ્રિક લેનાર બોલર
જહાંગીર બેહરામજી ખોત vs વડોદરા – 1943/44
ઉમેશ નારાયણ કુલકર્ણી vs ગુજરાત – 1963/64
અબ્દુલ મૂસાભાઈ ઈસ્માઈલ vs સૌરાષ્ટ્ર – 1973/74
રોયસ્ટન હેરોલ્ડ ડાયસ vs બિહાર – 2023/24
શાર્દુલ ઠાકુર vs મેઘાલય – 2024/25
માત્ર 2 રન પર પડી છ વિકેટ
શાર્દુલ ઠાકુરે પોતાની પહેલી ઓવરમાં પણ વિકેટ લીધી હતી. તેણે બેટ્સમેન નિશાંત ચક્રવર્તીને ખાતું ખોલવા દીધું નહીં. બીજી ઓવરમાં મોહિત અવસ્થીને કિશન લિંગદોહની વિકેટ મળી. ત્રીજી ઓવરના અંતિમ ત્રણ બોલ પર વિકેટ બાદ ચોથી ઓવરના પહેલા બોલ પર મોહિતે અર્પિત સુભાષ ભટેવરા પણ આઉટ થઈ ગયો. આ રીતે મુંબઈને સતત ચાર બોલ પર સફળતા મળી. 3.1 ઓવર બાદ મેઘાલયનો સ્કોર 6 વિકેટ પર માત્ર બે રન હતો.