Dubai,તા.10
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર ઉજવણી કરી. દુબઈમાં આ ઉજવણીનો એક ફોટો દરેક ક્રિકેટ ચાહકના હૃદયને સ્પર્શી જાય એવો હતો.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો આખો પરિવાર મેદાન પર હાજર હતો. જીત બાદ વિરાટ કોહલીએ શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા હતા. તો શમીની માતા પણ કોહલીને ભેટી પડ્યા હતા.
મોહમ્મદ શમી જેવા મહત્વના ક્રિકેટરને ખોટા કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાની તક કેટલાક લોકો ક્યારેય ચૂકતા નથી. આ તસવીર વિરાટ કોહલીનો તે ટ્રોલર્સને યોગ્ય જવાબ છે.
કોહલીએ અગાઉ T20 વર્લ્ડ કપ દરમિયાન અર્શદીપ સિંહને શીખ હોવાને કારણે ટ્રોલ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની ઉજવણીમાં સફેદ બ્લેઝર પહેરીને વિરાટ કોહલીએ શમીના પરિવારને મળીને અભિવાદન કર્યું હતું.
વિરાટે પહેલા શમીની માતા અંજુમ આરાના ચરણ સ્પર્શ કર્યા. ત્યાર પછી ફોટો સેશન શરૂ થયું હતું. આ દરમિયાન મોહમ્મદ શમીની બહેન અને ભાઈ પણ સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર જેણે પણ આ તસવીરો જોઈ એ તમામ લોકો વિરાટની પ્રશંસા કરી રહ્યા છે.