Kolkata,તા.20
ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની વ્હાઇટ-બોલ સિરીઝની શરૂઆતની મેચ પહેલાં રવિવારે ત્રણ કલાકનાં પ્રેકિટસ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ઝડપી બોલર મોહમ્મદ શમીએ એક કલાકથી વધુ સમય સુધી સંપૂર્ણ લય સાથે બોલિંગ કરી હતી.
લાંબા સમય પછી વાપસી :-
ઈજાના કારણે 14 મહિના પછી રાષ્ટ્રીય ટીમમાં પરત ફરતાં, શમીએ તેનાં ડાબા ઘૂંટણ પર મોટો પાટો બાંધ્યો હતો અને શરૂઆતમાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલની દેખરેખ હેઠળ ટૂંકા રન-અપ સાથે ધીમી બોલિંગ કરી હતી.
પછી સંપૂર્ણ રનઅપ સાથે ઝડપ વધારી હતી. બાદમાં તેણે ફિલ્ડિંગ પ્રેકિટસમાં પણ ભાગ લીધો હતો. તેણે પોતાની ગતિ અને લાઇન લેન્થથી અભિષેક શર્મા અને તિલક વર્મા જેવાં યુવા બેટ્સમેનોને પરેશાન કરીને પોતાની ફિટનેસની ચિંતા પણ દૂર કરી હતી.
આ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે તેની સામે કેટલાક આક્રમક શોટ લગાવ્યાં હતાં. જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમે રવિવારે આરામ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ આજે તેનાં પ્રથમ પ્રેકિટસ સેશનમાં ભાગ લેશે.