Rajkot તા.5
BAPS સ્વામી નારાયણ સંપ્રદાયના નિલકંઠ ચરિત્ર પુસ્તકમાં દેવાધીદેવ મહાદેવ અને પાર્વતી માતાને સ્વામિના સેવક તરીકે દર્શાવાતા બ્રહ્મસમાજમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠયો છે.
દેવાધિદેવ મહાદેવના અપમાનથી બ્રહ્મ સમાજના યુવા અગ્રણી મિલન શુકલાએ જણાવ્યું હતું કે, મહાદેવનું આ અપમાન કરનાર સ્વામિ નારાયણ સંપ્રદાયના સંતોને પાઠ ભણાવાશે. સ્વામિ નારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનુ અપમાન કરી રહ્યા છે.પોતાનું પાપ છુપાવવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાંક સંતો આવુ કૃત્ય કરી રહ્યા છે.
જેઓની સામે આ સંપ્રદાયનાં મોટા સંતો અને સાધુઓએ હજુ કેમ ચૂપકીદી સેવી છે. આવુ કૃત્ય કરનાર સ્વામીઓ સામે કેમ કાર્યવાહી કરાતી નથી તેવો પ્રશ્ન ઉઠાવી મિલન શુકલાએ જણાવ્યું હતું કે, સ્વામિ નારાયણ સંપ્રદાયનાં હવે કોઈપણ સ્વામિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવુ કૃત્ય કરશે તો તેને અમે પાઠ ભણાવશુ.
બ્રાહ્મણોને ફરસી ઉપાડતા પણ આવડે છે નિલકંઠ ચરિત્ર પુસ્તકમાં દેવાધિદેવ મહાદેવનું અપમાન કરવા સબબ આ પુસ્તકના લેખક અને પ્રકાશક સામે બ્રહ્મ સમાજ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્વામિ નારાયણ સંપ્રદાયનાં સ્વામીએ જલારામ બાપાનું પણ અપમાન કરી કરોડો હિન્દુ ભાવિકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે.
સ્વામિ નારાયણ સંપ્રદાયના આવા સંતો બફાટ કરીને સનાતન ધર્મને નુકશાન કરી રહ્યા છે. આવા સાધુઓને ભરી પીવા માટે બ્રહ્મસમાજ મેદાનમાં આવી ગયો છે.આ અંગે ગુન્હો દાખલ કરી આ સાધુઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તેઓએ આપી હતી.