Vadodara,તા.21
કોર્પોરેશનની ચૂંટણી પહેલા ધારાસભ્ય યોગેશ પટેલે કાર્યકર્તાઓને સલાહ આપી છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં સીટ કોંગ્રેસ પાસે જાય તો સમજી લેવું આપણે કામ નથી કર્યું, સાથે નવા પ્રમુખના આવ્યા બાદ કોર્પોરેશનની કામગીરીમાં પહેલા જેવી માથાકૂટ થતી નથી તેમ કહી પૂર્વ પ્રમુખ પર કટાક્ષ કર્યો હતો.
શહેરના રાવપુરા-માંજલપુર વિધાનસભા ક્ષેત્રનાં વોર્ડ નંબર 16 માં શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીનો અભિવાદન-શુભેચ્છા સમારોહ રાખવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે, કોર્પોરેશનમાં આપણા બધા જ કોર્પોરેટર હોય તો હાલમાં જે માથાઝિંકો થાય છે તે ન થાય. આ વિસ્તારના બધાજ કાર્યકર્તાઓ નક્કી કરે કે આપણે ચાર ચાર સીટો જીતવાની છે. કોર્પોરેશનની ચૂંટણીમાં સીટ કોંગ્રેસ પાસે જાય તો સમજી લેવું આપણે કામ નથી કર્યું, નવા પ્રમુખ આવ્યા બાદ કોર્પોરેશનમાં ઘણી માથાઝીંકો ઓછી થઈ ગઈ છે. કોર્પોરેશનમાં પહેલા કોઈપણ દરખાસ્ત આવે તો દરખાસ્ત મુલત્વી રહે અને ફરીથી આવે અને પાસ થઈ જાય એટલે તેઓને હવે ચોખવટ કરી દીધી છે કે, હવે જે પણ દરખાસ્ત આવે તે પાસ કરી દે, પરંતુ અત્યારે જે રાજકીય ગડબડો છે તેમાં આ વખતે ઘણા ઉમેદવારો ઊભા થશે. અને ત્યારબાદ સમજાવવાથી બેસી પણ જશે.