New Delhi,તા.23
ગઈકાલના આતંકી હુમલાના પગલે એક તરફ પુરા જમ્મુ-કાશ્મીરમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો છે અને આજે કાશ્મીરમાં સ્કુલ-કોલેજો બંધ રાખવામાં આવ્યા છે તો સહેલાણીઓ જે પહેલગામ કે ખીણના અન્ય ક્ષેત્રમાં છે.
તેઓને પણ ગુલમર્ગ- સોનમર્ગ સહિતના સહેલાણી સ્થળો પર ખાસ સુરક્ષા આપવામાં આવી છે. પુરા ખીણમાં સેન્ય ઉતારી દેવાયુ છે અને જેઓ પરત જવા માંગતા હોય તેઓને સલામત રીતે કાશ્મીર બહાર મોકલવામાં આવી રહ્યા છે.
સ્થાનિક પોલીસે હવે ખીણ ક્ષેત્રમાં રીસોર્ટ, હોટેલો તથા સહેલાણીઓ જયાં રોકાતા હોય છે ત્યાં પણ તલાશી અભિયાન શરૂ કરીને દરેક સ્થળો પર પુરતા સલામતી રક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ પહેલગામ અને તેની આસપાસ જયાં ત્રાસવાદીઓ આ હુમલા બાદ છુપાયા હોવાની આશંકા છે ત્યાં સૈન્યએ હેલીકોપ્ટર-ડ્રોનની મદદથી તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત શ્રીનગરથી હવે પરત જવા માટે સહેલાણીઓનો ધસારો હોવાથી એરઈન્ડીયા અને ઈન્ડીગોએ ખાસ વધારાની વિમાની સેવા શરુ કરી છે. રાજય સરકારે શ્રીનગર-જમ્મુ-હાઈવે પર પણ સૈન્ય ગોઠવી દીધુ છે અને જમ્મુથી પણ જરૂર પડે ખાસ ટ્રેન દોડાવાશે. કાશ્મીર ખીણમાં એક તરફ સહેલાણી સીઝન પુરજોશમાં આગળ વધી રહી હતી.
આ વર્ષે રેકોર્ડબ્રેક સહેલાણીઓ પહોંચે તેવી ધારણા હતી તે સમયે જ થયેલા આ હુમલાએ કાશ્મીર ખીણમાં વ્યાપાર અને સહેલાણી સંબંધીત ધંધાને જબરો ફટકો માર્યો છે અને હવે અહી સેન્ય તપાસ પણ વધવાની શકયતાએ સહેલાણીઓ તેમના આયોજન રદ કરે તેવા પણ સંકેત છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર માટે હવે અમરનાથ યાત્રા માટે પણ વધારે તૈયારી કરવી પડશે.