Surat ,તા.13
સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસમાં અનેક પ્રયાસો બાદ પણ ટિકિટ કૌભાંડ બંધ થવાનું નામ લેતું નથી. પહેલા સીટી બસના કંડકટર મુસાફરો પાસે પૈસા લઈને ટીકીટ આપતા ન હતા તેવી ફરિયાદ હતી. પરંતુ હવે તો સીટી બસના કંડકટર દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને જુની ટીકીટ આપતા હોવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. તેમાં પણ હાલમાં મેન પાવર સપ્લાય કરનારી એજન્સીને પાલિકાનો કોઈ ડર ન હોય તેવી રીતે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ વીજીલન્સ સાથે ચેકીંગમાં નિકળે છે. સાવધાન થઈ જાવ તેવો મેસેજ ગ્રુપમાં કરી દીધો હતો. જોકે, આ મેસેજ લીક થતાં અન્ય જગ્યાએ ચેકિંગ કર્યું ત્યાં આખી બસના મુસાફરોને ટિકિટ ન આપી હોવાનું બહાર આવ્યું હતું. કન્ડક્ટરને બ્લેક લિસ્ટ કરવા સાથે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષે મેનપાવર સપ્લાય કરનારી બન્ને એજન્સીને પણ બ્લેક લિસ્ટ કરવા માટે તંત્રને તાકીદ કરી છે.
સુરત શહેરમાં દોડતી સીટી બસ હાઉસ ફુલ તો જાય છે પરંતુ પાલિકાને સતત ખોટ થઈ રહી છે. જોકે, આ મોટા ભાગની ખોટ પાછળ સિટી બસના કંડકટર દ્વારા થતા કૌભાંડ જવાબદાર છે. આ પહેલા સીટી બસના કંડકટર દ્વારા મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ ન આપી કૌભાંડ કરવામાં આવ્યું હતું. અંગેની ફરિયાદ બાદ ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સામનાથ મરાઠેએ વિજીલન્સ વિભાગ સાથે રાખીને ચેકીંગનું નક્કી કર્યું હતું. પરંતુ પાલિકાની મેન પાવર સપ્લાય કરનારી એજન્સી સુકાનીના મેનેજર દ્વારા ગ્રુપમાં મેસેજ કરીને અધ્યક્ષ અને વીજીલન્સ રેડમાં આવે છે સાવચેત રહેવું ત્યાર બાદ અન્ય જગ્યાએથી આખી બસ ટીકીટ વિનાની મળી આવી હતી. આ ઘટના બાદ સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે મંગળવારે અમે વિજીલન્સ વિભાગ સાથે ડિડોલી પિયુષ પોઈન્ટ પાસે ચકાસણી માટે નીકળ્યા હતા. ત્યારે કન્ડક્ટર સપ્લાય કરનારી એજન્સી સુકાની મેનેજર છે તેણે કેટલા ગ્રુપમાં મેસેજ વાયરલ કરીને ચેરમેન અને વિજીલન્સ તપાસમાં નિકળી છે સાવધાન થઈ જાવ તેવું જણાવ્યું હતું. અમને ત્યારે ખબર પડી ગઈ કે વીજીલન્સની વાત લીક થઈ ગઈ છે તેના કારણે અમે સ્પોટ બદલી નાખ્યું હતું અને પાંડેસરા પિયુષ પોઈન્ટ પર ઉભા રહ્યાં હતા ત્યારે 205 નંબરની બસ આવી હતી. ત્યાં આ બસની અંદર આકાર એજન્સીને કંડકટર બસમાં પકડાયો તેણે એક પણ વ્યક્તિ ટીકીટ આપી ન હતી અને ટિકિટ ન આપવા પાછળ મશીન ખરાબ છે તેવું બહારનું આગળ ધર્યું હતું.
વિજીલન્સ ટીમે ગાડી ઉભી રાખી મશીનની ચકાસણી કરાવી ત્યારે મશીન ચાલુ હતું તો આવી રીતે કન્ડકટર ચોરી કરે છે. તેના કારણે પાલિકાને મોટું નુકસાન થઈ રહ્યું છે. અગાઉ પણ આકાર અને સુકાનીની આવી વિવાદી કામગીરીને પગલે તેની સામે પગલાં ભરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત ગઈકાલે જે ઘટના બની છે તેમાં કન્ડકટર અને મેનેજરને બ્લેક લિસ્ટ કરવાની સુચના આપી છે. આ ઉપરાંત જેણે મેસેજ વાયરલ કર્યો છે અને ક્યા ક્યા ગ્રુપમાં મેસેજ વાયરલ કર્યો છે તેની પણ તપાસ કરીને કામગીરી કરવામાં આવે અને મેન પાવર સપ્લાય કરનારી એજન્સી સૂકાની અને આકારને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગણી કરી છે.