આશરે રૂ. 65 લાખની કિંમતની મોંઘીદાટ 102 ઘડિયાળ અને ચાર લાખની રોકડ ઉઠાવી જતી તસ્કર ટોળકી
સીસીટીવી ફૂટેજમાં પાંચ તસ્કર કેદ : એકે શો રૂમમાં ઘુસી ચોરીને અંજામ આપ્યો, ચાર સતત પહેરેદારી કરતા રહ્યા
Rajkotતા.18
શહેરના ધરમનગર વિસ્તારમાં આવેલ ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાં એક સપ્તાહ પૂર્વે થયેલી રૂ. 60 લાખની હીરા ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક મસમોટી ચોરીની ઘટના સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ત્રિકોણ બાગ નજીક આવેલ ટાઇટન વર્લ્ડ શો રૂમમાં તસ્કર ટોળકીએ ત્રાટકી ફક્ત 17 મિનિટમાં રૂ. 70 લાખની ઘડિયાળ અને રોકડ ઉઠાવી ગયાનો બનાવ સામે આવતા પોલીસ કમિશ્નર, એડિશનલ પોલીસ કમિશ્નર, ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-2, એસીપી, એસઓજી-ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. હાલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાંચ તસ્કરો સીસીટીવીમાં કેદ થયાં છે. જે પૈકી ફક્ત એક જ ચોર શો રૂમમાં પ્રવેશ્યો હતો જયારે ચાર તસ્કરોએ સતત રેકી કરી હતી. શહેરમાં વધુ એક લાખેણી ચોરીનો બનાવ સામે આવ્યો છે. ત્રિકોણબાગ નજીક રવિભાઈ ભુપેન્દ્રભાઈ રઘુવંશીની માલિકીની ટાઈટન વર્લ્ડ શો રૂમમાં આજે વહેલી સવારે પાંચ તસ્કરોની ટોળકી ત્રાટકી હતી. શોરૂમના શટરનો નકુચો ડીસમિસ વડે છટકાવી શટર ઊંચું કરી તસ્કરોએ શોરૂમની અંદર પ્રવેશ મેળવ્યો હતો પાંચ તસ્કર પૈકી ફક્ત એક તસ્કર જ ચોરીને અંજામ આપી રહ્યો હતો જ્યારે ચાર તસ્કરોએ સમગ્ર ચોરી દરમિયાન બહાર ઉભા રહી પહેરેદારી કરી હોય તેવું સીસીટીવીમાં કેદ થવા પામ્યું છે.
તસ્કર ટોળકી ટાઇટન વર્લ્ડ શો રૂમની અંદરથી આશરે રૂ.65 લાખની કિંમતની 102 ઘડિયાળ અને રૂ. 4 લાખની રોકડ મળી અંદાજિત રૂ. 70 લાખની મતા ઉઠાવી ગઈ હતી. ત્રિકોણબાગ તરફથી આવેલી તસ્કર ટોળકી ચોરીને અંજામ આપી બસસ્ટેન્ડ તરફ જતાં માર્ગ પર ચાલતી પકડી હતી.
બાદમાં સવારે 10 વાગ્યે શો રૂમના કર્મચારીઓએ રાબેતા મુજબ શટર ખોલી અંદર પ્રવેશ કરતા સામાન અસ્ત વ્યસ્ત સ્થિતિમાં જોવા મળતા કર્મચારીએ માલિક રવિભાઈ ભુપેન્દ્રભાઈ રઘુવંશી અને તેમના પિતા ભુપેન્દ્રભાઈ જાણ કરતા તેઓ શો રૂમ ખાતે દોડી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરાઈ હતી.
તસ્કર ટોળકી વહેલી સવારે 4:48 કલાકે ત્રાટકી અને 5:05 સુધીમાં થેલા ભરી નાસી ગઈ
તસ્કર ટોળકીએ આજે વહેલી સવારે લાખેણી ચોરીને અંજામ આપ્યો હતો. સવારે 4:48 કલાકે પાંચ તસ્કરોની ટોળકી ત્રિકોણબાગ તરફથી પગપાળા ચાલીને આવી હતી. એક તસ્કરે શો રૂમમાં પ્રવેશ મેળવ્યો હતો. રૂ. 65 લાખથી વધુની કિંમતની 102 ઘડિયાળો, ચાર લાખની રોકડ સહીત રૂ. 70 લાખની મતા થેલામાં ભરી 5:05 કલાકે બહાર નીકળી ગયા હતા અને બસ સ્ટેન્ડ તરફ જતાં માર્ગ પર ચાલતી પકડી લીધી હતી.