Mumbai,તા.15
ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્મા અને યુવા બોલર શુભમન ગીલે રણજી ટ્રોફીમાં રમવાના સંકેત આપ્યાં છે. રોહિત અને શુભમન છેલ્લાં કેટલાક મહિનાઓથી ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરતાં જોવા મળી રહ્યાં છે.
રોહિતે 23 જાન્યુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફીના બીજા તબક્કા પહેલાં મંગળવારે મુંબઈની ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટમાં માત્ર 31 રન બનાવ્યાં અને સિડનીમાં પાંચમી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર બેસવાનો નિર્ણય કર્યો હતો.
રોહિતે વાનખેડે સ્ટેડિયમમાં થોડાં કલાકો સુધી ચાલેલા સુખદ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. તે સાથી ખેલાડી અજિંક્ય રહાણે સાથે રાહ જોતો હતો. રોહિત છેલ્લે 2015 માં ઉત્તર પ્રદેશ સામે મુંબઈ તરફથી રમ્યો હતો.
જમ્મુ કાશ્મીર સાથે મેચ
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું કે જ્યારે ટૂર્નામેન્ટ વચ્ચે અંતર હોય છે, ત્યારે પ્રક્રિયા એવી છે કે ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓને તેમની ઉપલબ્ધતા વિશે પૂછે છે. રોહિતને 23 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર સામેની રણજી ટ્રોફી મેચ માટે ટીમ સિલેક્શન સમયે પૂછવામાં આવશે.
રોહિતે સિડની ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને સુકાનીપદ સોંપ્યું હતું, જેનાં કારણે તેનાં ભવિષ્ય અંગે અટકળો શરૂ થઈ હતી. જો કે એક ઈન્ટરવ્યુમાં રોહિતે કહ્યું કે તે ક્યાંય જઈ રહ્યો નથી.
શુભમન ગિલ પંજાબ માટે રમશે
ગિલ કર્ણાટક સામે પંજાબ તરફથી રમશે. ગિલ છેલ્લે 2022 માં રણજી ટ્રોફી રમ્યો હતો જ્યારે તે અલૂરમાં મધ્યપ્રદેશ સામેની ક્વાર્ટર ફાઇનલમાં દેખાયો હતો. પંજાબની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એક અહેવાલ અનુસાર, ગીલે તેની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. ગિલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ મેચમાં 93 રન બનાવ્યાં હતાં.