New Delhi,તા.09
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ ‘તાપ’થી ભારતને બચાવવા એક તરફ દિલ્હીમાં સરકાર ડિપ્લોમેટીક મોરચે વ્યાપાર કરાર કરવા જઈ રહી છે.
તો બીજી તરફ દેશના વ્યાપારી પાટનગર મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તેની દ્વીમાસીક ધીરાણ નીતિમાં સતત બીજી વખત વ્યાજદરમાં 25 બેઝીક પોઈન્ટનો ઘટાડો કરીને બેન્કીંગ ધિરાણ મોરચે વધુ રાહત આપવા પ્રયાસ કર્યા છે.
રિઝર્વ બેન્કની ત્રણ દિવસની મોનેટરી કમીટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તાત્કાલીક અસરથી અમલમાં આવે તે રીતે રેપોરેટમાં 25 બેઝીક પોઈન્ટનો ઘટાડો જાહેર થયો છે જેની રેપોરેટ હવે 6% થશે.
રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ ટેરીફ વોરની અસર ભારતની નિકાસ પર થશે તે સ્વીકાર્યુ હતું. રિઝર્વ બેન્કે તેનું તટસ્થ વલણ એટલે કે રેટ યથાવત રાખવાના બદલે એકોમોંડેટીવ સ્થિતિ મુજબ બનાવ્યુ છે. એટલે કે રિઝર્વ બેન્ક હવે પરીસ્થિતિ મુજબ ગમે તે સમયે તેના નિર્ણયો લેશે.
વ્યાજદર ઘટાડાનો રિઝર્વ બેન્કની મોનેટરી કમીટીનો નિર્ણય સર્વાનુમતનો રહ્યો છે. આરબીઆઈએ તા.7 ફેબ્રુ.ના રેપોરેટ 25 બેઝીક પોઈન્ટ ઘટાડયો હતો અને 6.50 માંથી 6.25 ટકા કર્યો હતો. આરબીઆઈના આ નિર્ણયથી હવે બેન્કો માટે ધિરાણ દર ઘટાડવાનું જરૂરી બનશે. બે માસમાં 50 બેઝીક પોઈન્ટનો ઘટાડો મહત્વનો છે.
શ્રી મલ્હોત્રાએ જણાવ્યું કે, સીસ્ટમમાં નાણાકીય પ્રવાહિતા જળવાઈ રહે તે રિઝર્વ બેન્ક નિશ્ચિત કરશે. તેઓએ ખાદ્ય ફુગાવો 4થી4.2% રહેવાનો આશાવાદ વ્યકત કર્યો છે તો જીડીપી 6.5% રહેશે એ અંદાજ મુકયો છે.
ગવર્નરે સ્વીકાર્યુ કે, ટેરીફની ઉત્પાદક ચીજોની નિકાસ ઘટશે પણ સર્વિસ ક્ષેત્રની જળવાઈ રહેશે. રિઝર્વ બેન્કના આ પગલાથી હવે હાઉસીંગ તથા ઓટો લોન સસ્તી થશે. બેન્કોને પણ થાપણોના દરનો પડકાર યથાવત રહેશે.