Gandhinagar,તા.24
ગાંધીનગર સ્થિત ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા એક આદેશ પસાર કરીને સુરતની એક હાઉસીંગ સ્કીમનું રજીસ્ટ્રેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો આદેશ કરીને આ સ્કીમ મુકનીર બિલ્ડરને કોઇપણ જાતનું બુકીંગ કે માર્કેટીંગ કરવા ઉપર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. વધુ હુકમ ના થાય ત્યાં સુધી તા. 21 ફેબ્રુઆરીનો રોજ આવો આદેશ પસાર કરવામાં આવતા બિલ્ડર આલમમાં ચર્ચાનો મુદ્દો ઉભો થયો છે.
કેસની વિગતો મુજબ રેરાના સચિવ એ. જે. દેસાઇ દ્વારા સહજાનંદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારી પેઢીના ભાગીદાર ભુમીનભાઇ રમેશભાઇ બુટણી તથા અન્યોને સંબોધીને પસાર કરવામાં આવેલા આદેશ મુજબ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા સહજાનંદ ગ્રીન સિટી નામનો પ્રોજેક્ટ રહેણાંક અને કોમર્શિયલ યુનિટ્સ માટે વર્ષ 2015માં મુકવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટની નોંધ રેરા સમક્ષ વર્ષ 2018માં કરવામાં આવી હતી. રેરાની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી મુજબ કુલ છ ટાવરમાં કુલ 571 યુનિટ્સ હતા. આજની તારીખમાં 407 યુનિટ અવેલેબલ છે. પ્રોજેક્ટ પૂર્ણ તારીખ 30-09-2023ના રોજની છે પરંતુ હાલમાં વેબસાઇટ ઉપર હજુ ઓનગોઇંગ પ્રોજેક્ટ બતાવે છે.
દરમિયાન તા.21 ફેબ્રુઆરી, 2025ના રોજ જાહેર કરવામાં આવેલા આદેશમાં સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા. 18 જાન્યુઆરીના રોજ લખવામાં આવેલા પત્ર તેમજ રેરા દ્વારા તા. 20 ફેબ્રુઆરીના રોજ નોંધ પરના આદેશનો સંદર્ભ ટાંકવામં આવ્યો છે.
આથી રેરા એક્ટની કલમ 36 મુજબનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો તેમાં જણાવવામાં આવ્યું છે કે, “મોજે કામરેજ, તા.- કામરેજ, જી સુરતના બ્લોક નંબર 166 વાળી જમીનમાં આપેલ વિકાસ પરવાનગી અન્વયે સંદર્ભમાં જણાવેલ પત્ર/હુકમની સદર વિકાસ પરવાનગી સ્થગિત કરવા તથા સ્થળે આગળનું બાંધકામ ન કરવા હુકમ કરવામાં આવેલ છે.”
હુકમમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “જેને ધ્યાનમાં રાખી સંદર્ભ-2 અન્વયે સંભવિત એલોટીઝ તથા રસ ધરાવનારના હિતમાં રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ-2016વૂ કલમ-36 મુજબ આપના પ્રોજેક્ટ ’સહજાનંદ ગ્રીન સિટી’ નુ રજીસ્ટ્રેશન તાત્કાલિક ધોરણે સ્થિગત (સસ્પેન્ડ) કરવાનો ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવે છે.”
હુકમમાં અંતે જણાવવામાં આવ્યુ છે કે, પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન સ્થગિત થતા પ્રોજેક્ટમાં હવે પછીનું પ્રોજેક્ટનું માર્કેટીંગ, બુકીંગ અને વેચાણ કરવું પ્રતિબંધિત બને છે. પ્રતિબંધ બાદ પણ પ્રોજેક્ટનું માર્કેટીંગ, યુનિટનું બુકીંગ-વેચાણની કાર્યવાહી કરવાના કિસ્સામાં રેરા એક્ટની જોગવાઇના ભંગ બદલ દડનીય કાર્યવાહીને પાત્ર બનશે.
આ હુકમની નકલ સુડાના નગર નિયોજક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા કે જ્યાંની લોન બોલે છે અને નવા ગામ-કામરેજની સબ રજીસ્ટ્રાર કચેરીને મોકલવામાં આવ્યો છે.