સામાન્ય લોકો માટે નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવું જરૂરી છે
New Delhi,તા.૨૯
બેન્ક એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે મોટાભાગે રૂ. ૫૦૦ની જ નોટ નીકળે છે. ૧૦૦-૨૦૦ની નોટ ભાગ્યે જ જોવા મળતી હોય છે. પરંતુ હવે આમ નહીં થાય. આરબીઆઈએ મહત્ત્વનો નિર્ણય લેતાં તમામ બેન્કોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, એટીએમમાંથી રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ પણ નીકળે.
આરબીઆઈએ સોમવારે બેન્કોને નિર્દેશ આપ્યા હતાં કે, સામાન્ય લોકો માટે નાની રકમની નોટની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવું જરૂરી છે. બેન્કોએ એટીએમમાંથી આ મૂલ્યના કરન્સી નોટ પર્યાપ્ત પ્રમાણમાં મળી રહે તેની ખાતરી કરવી. બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સે આ નિર્દેશને તબક્કાવાર લાગુ કરવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ લેબલ એટીએમ સરકારી અને પ્રાઈવેટ બેન્કોના એટીએમની જેમ કામ કરે છે. તેને ખાનગી અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ ઈન્સ્ટોલ કરે છે. તેમાં વિવિધ બેન્કોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મારફત રોકડ ઉપાડ, બેલેન્સ ચેક સહિતની તમામ સુવિધાઓ મળે છે.
આરબીઆઈએ સર્ક્યુલરમાં જણાવ્યુ છે કે, મોટાભાગે એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે રૂ. ૫૦૦ના મૂલ્યની નોટ જ નીકળે છે. આથી નાના અને સામાન્ય નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખતાં તમામ બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર્સને ખાતરી કરવા આદેશ છે કે, તેમના એટીએમમાંથી નિયમિત ધોરણે રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ નીકળે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી તમામ એટીએમમાંથી ૭૫ ટકા એટીએમાંથી ઓછામાં ઓછા એક કેસેટમાં રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ની નોટ નીકળવી જોઈએ. ત્યારબાદ આગામી તબક્કામાં ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી ૯૦ ટકા એટીએમમાંથી ઓછામાં ઓછા એક કેસેટમાંથી રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ના મૂલ્યની નોટ નીકળવી જોઈએ.આરબીઆઈએ અગાઉ જારી કરેલા સર્ક્યુલરમાં ૧ મે, ૨૦૨૫થી એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમો પણ બદલ્યા છે. જેમાં હોમ બેન્ક નેટવર્ક સિવાયના એટીએમમાંથી ઉપાડ, બેલેન્સ ચેક માટે યુઝરે વધુ ચાર્જ ચૂકવવો પડશે. ૧ મેથી અન્ય બેન્કના એટીએમમાંથી ઉપાડ પર રૂ. ૧૯ અને બેલેન્સ ચેક કરવા પર રૂ. ૭ પેટે ચાર્જ ચૂકવવો પડશે. જે પહેલાં ક્રમશઃ રૂ. ૧૭ અને રૂ. ૬ હતો.