અકસ્માતને પગલે સ્થાનિકોમાં આક્રોશ : સીટી બસમાં પર પથ્થરમારો કરી તોડફોડ કરી, ચક્કાજામ
150 ફૂટ રીંગ રોડ એમ્બયુલન્સના શાયરનથી દ્રવી ઉઠ્યો : ચાલક ચિક્કાર નશામાં હોવાનો આક્ષેપ
મહાપાલિકા અને યુનિવર્સિટીના કર્મચારી બે મહિલા સહિત ચારનો ભોગ લીધો,સાત વર્ષની બાળકી સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત :
Rajkot,,તા.16
શહેરમાં વધુ એકવાર અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. ઇન્દિરા સર્કલ નજીક બેફામ દોડતી સીટી બસે ટુ વ્હીલર અને ફોર વ્હીલને અડફેટે લઇ ચાર લોકોને કચડી નાખાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક ચારને આંબી ગયો હતો. જયારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે 150 ફૂટ રીંગ રોડ શાયરનના અવાજથી દ્રવી ઉઠ્યો હતો જયારે બીજી બાજુ સ્થાનિકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલ ટોળાંએ બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકત્રિત થઇ જતાં ચક્કાજામ સર્જાયો હતો. બીજી બાજુ આક્રોષિત ટોળાંને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઘટનાને પગલે પોલીસ કમિશ્નર, એડિશનલ પોલીસ કમિશ્નર, ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા.
રાજકોટ શહેરમાં એક ભયાવહ અકસ્માત સર્જાતા અરેરાટી સાથે રોષ વ્યાપ્યો છે. આજે સવારે અંદાજિત દસ વાગ્યાં આસપાસ ઇન્દિરા સર્કલ નજીક સીટી બસે અકસ્માત સર્જયો હતો. પ્રદ્યુમનપાર્કથી લાઈટ હાઉસના રૂટ પર દોડતી આર-ટુ નંબરની સીટી બસ કોટેચા ચોક તરફથી આવી ઇન્દિરા સર્કલ થઇ પંચાયતનગર તરફ જઈ રહી હતી. ત્યારે ઇન્દિરા સર્કલ ખાતે પૂરપાટ ઝડપે ધસી આવેલી સીટી બસના ચાલકે અકસ્માત સર્જયો હતો. બેફામ બનેલી સીટી બસે અનેક ટુ વ્હીલર, રીક્ષા અને ફોર વ્હીલને અડફેટે લઇ આઠ લોકોને ટક્કર મારી હતી. જે પૈકી ત્રણ લોકો પર બસના ટાયર ફરી વળતા તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે એક વ્યક્તિને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતા મૃત્યુઆંક ચારને આંબી ગયો હતો. બીજી બાજુ અકસ્માતમાં સાત વર્ષની બાળકી સહીત ચાર લોકોને ઇજા થતાં સારવાર અર્થે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સીટી બસના ચાલકે અકસ્માત સર્જી ચાર લોકોને જીવતા કચડી નાખતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો અને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ટોળાંએ આક્રોશમાં આવી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ઉપરાંત ટોળાંને કારણે ચક્કાજામ જેવી પરિસ્થિતિ ઉદભવતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બયુલન્સ દોડતી થઇ હતી અને થોડી વાર સુધી ઇન્દિરા સર્કલ સહિતનો 150 ફૂટ રીંગ રોડ વિસ્તાર એમ્બયુલન્સના શાયરનથી દ્રવી ઉઠ્યો હતો. એમ્બયુલન્સ મારફત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જયારે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શિશુપાલસિંહ ઝાલા નામનો ડ્રાયવર વાહન ચલાવતો હતો અને અકસ્માતમાં તેણે પણ ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત સ્થાનિકોનો આક્ષેપ છે કે, ચાલક ચિક્કાર નશામાં હતો જેના લીધે તેણે અકસ્માત સર્જયો હતો. જયારે બીજી બાજુ ડ્રાયવરે ઈજાગ્રસ્ત હાલતમાં જણાવ્યું હતું કે, પોતે કોઈ નશામાં હતો નહિ પણ બ્રેક નહિ લગતા અકસ્માત સર્જાયો હતો.
ઘટનાને પગલે આક્રોશમાં રહેલા ટોળાંએ વધુ બસોમાં તોડફોડ શરૂ કરતા પોલીસ દ્વારા ટોળાંને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. બીજી બાજુ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બંગરવા, એસીપી બી જે ચૌધરી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉપરાંત ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, સાંસદ રામભાઈ મોકીરીયા સહિતના પદાધિકારીઓ પણ ઇન્દિરા સર્કલ ખાતે દોડી ગયા હતા.
અકસ્માતના સીસીટીવી વાયરલ : દ્રશ્યોથી હૃદય કંપી ઉઠ્યા
સમગ્ર ભયાનક અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતા. જે સીસીટીવી વાયરલ પણ થયાં છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બેફામ બનેલી બસએ અનેક ટુ વ્હીલર ચાલકો અને ફોર વ્હીલને ટક્કર મારતા આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર લોકોના મોત થયાં હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ચાલકને ટોળાંએ માર માર્યો
પ્રદ્યુમનપાર્કથી લાઈટ હાઉસના રૂટ પર દોડતી આર-ટુ નંબરની સીટી બસ જેના નંબર જીજે-03-બીઝેડ-0048 ઇન્દિરા સર્કલથી પંચાયતનગર તરફ જઈ રહી હતી. ત્યારે ઇન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં પણ પૂરપાટ ઝડપે ધસી આવેલી સીટી બસના ચાલકે અકસ્માત સર્જયો હતો. ત્યારે લોકોએ ચાલક પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ ચાલક શિશુપાલસિંહ ઝાલાને ટોળાંએ માર મારતા ઈજાગ્રસ્ત થતાં તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે ચાલકે ઈજાગ્રસ્ત હાલતમાં જણાવ્યું હતું કે, તે કોઈ નશામાં ન હતો પણ બ્રેક નહિ લાગતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતો નિવારવા ટ્રાફિક અવરનેસ વધુ સંગીન બનાવવી આવશ્યક
સીટી બસ અકસ્માતમાં ચારના ભોગ લેવાની ઘટનાએ અકસ્માતના કારણોની ચર્ચા જગાવી છે. ત્યારે અકસ્માત માત્ર ચાલકની ગફલત પર જ બદનામીનું ઠીકરાં ફોડવાનો રિવાજ છે, ત્યારે અકસ્માત નિવારવા ટ્રાફિક અવરનેસ પણ જરૂરી છે. રાજકોટ સહિત મોટા શહેરોમાં સિગ્નલ અને જાહેર રસ્તા પર વાહન ચાલકો દ્વારા આડેધડ ડ્રાઇવિંગ અને સિગ્નલ સ્ટોપ અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવાય છે. અકસ્માતો નિવારવા વ્યવસ્થાની સાથે સાથે રસ્તા પર વાહન ચલાવતા તમામ લોકોએ ટ્રાફિકના નિયમો અંગે સજાગતા કેળવવી જોઈએ. અકસ્માતમાં કોઈ એકનો દોસ ન ગણી ટ્રાફિક નિયમોનો ભંગ કરી અવ્યવસ્થા સર્જનારા તમામ ક્યાંક ને ક્યાંક કસૂરવાર હોય, મોટા અકસ્માત થાય ત્યારે સ્મશાન વૈરાગ્યની જેમ વાતો થાય છે પણ ટ્રાફિક નિયમોની અમલવારી ભુલાઈ જાય છે. આપણે સૌએ ટ્રાફિક જાગૃતતા કેળવવી જરૂરી છે નહીંતર છાસવારે આવા અકસ્માતો સર્જાતા રહેશે, કોઈના પરિવારનો આધાર છીનવાતો રહેશે અને આપણા સૌના મોઢે ફક્ત એક જ શબ્દ હશે ‘ઓમ શાંતિ’.
મૃતકો અને ઈજાગ્રસ્તો
અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉં.વ.-૩૫ રહે. સત્યમ પાર્ક), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉં.વ.૪૦ રહે. સ્વામિનારાયણ મંદિર નજીક, અક્ષર માર્ગ), સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બાંધકામ વિભાગના ક્લાર્ક ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ, (ઉ.વ.૨૫ રહે. હથિખાના શેરી નંબર-2) અને કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉ.વ. 56 રહે કોટેચા ચોક, કાલાવડ રોડ)નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ-૨૮,, સુરજ ધર્મેશ, ઉંમર વર્ષ-૪૨,,સાનિયાબેન અજયભાઈ રાજભર, ઉંમર વર્ષ-૧૭ અને, વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉંમર વર્ષ-૦૭ નો સમાવેશ થાય છે.
ચિન્મયના પિતાનું હૃદયરોગના હુમલાથી એક માસ પૂર્વે જ અવસાન થયું’તું : એકના એક ભાઈના અકાળ મોતથી બહેનનું હૈયાફાટ રુદન
સીટી બસે કચડી નાખી ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દેતા ચાર પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અકસ્માતમાં મોતને ભેંટનાર ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ(ઉ.વ.25)ના પિતા હર્ષદભાઈનું હજુ એક માસ પૂર્વે જ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ચિન્મય સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બાંધકામ વિભાગમાં કોન્ટ્રાકટ આધારિત ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. એકના એક ભાઈના અકાળ મૃત્યુથી સિવિલ હોસ્પિટલ ખાતે બહેનના હૈયાફાટ રુદનથી સૌના રુવાડા ઉભા થઇ ગયા હતા.
અકસ્માતનું કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈ
એકતરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો જયારે ચાલક શિશુપાલસિંહ ઝાલાએ રટણ કર્યું હતું કે, તે નશામાં ન હતો પણ એકાએક બ્રેક નહિ લાગતા આ દુર્ઘટના બની હતી. ત્યારે વાસ્તવિકતા જાણવા પોલીસે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમે ઘટનાસ્થળે જઈ તેમજ બસનો કબ્જો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી બાજુ પોલીસે વિડીયોગ્રાફી આધારિત પંચનામું કર્યું હતું.
ચાલક નશામાં હતો કે નહિ? : બ્લડ રિપોર્ટ બાદ ભેદ ખુલશે
સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ચાલક શિશુપાલ નશામાં હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ ટોળાંએ ચાલકને માર મારતા તેને પણ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી બાજુ પોતે નશામાં નહિ હોવાનું અને બ્રેક ફેઈલ થઇ જતાં અકસ્માત સર્જાયાનું ચાલકે રટણ કર્યું હતું. ત્યારે ખરેખર ચાલક નશામાં હતો કે કેમ? તે જાણવા ચાલકનો બ્લડ સેમ્પલ લેવામાં આવ્યો છે અને હવે બ્લડ રિપોર્ટ આવ્યા બાદ જ આ બાબત પરથી પડદો ઊંચકાશે.
સીટી બસના ચાલકો બેફામ? : ઇન્દિરા સર્કલ બાદ કિસાનપરા ચોકમાં વીજતંત્રની કારને ટક્કર મારી
ઇન્દિરા સર્કલ ખાતે સર્જાયેલ અકસ્માતની ગણતરીની કલાકો બાદ જ અન્ય એક સીટી બસએ કિસાનપરા ચોક ખાતે પીજીવીસીએલ તંત્રની કારને ટક્કર મારી હતી. જે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે ત્યારે શું સીટી બસના ચાલકો બેફાન બન્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાકટીંગ એજન્સી વિરુદ્ધ પણ શહેરીજનોમાં રોષનો માહોલ છે.