સુરેશ શીલુ ૮૦ લાખની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા હોવાથી જજમેન્ટના દિવસે કોર્ટમાં હાજર ન રહેતા સજાનું વોરંટ ઈશ્યુ કર્યું
Rajkot,તા.31
શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ત્રણ ડિરેકટરોને જુદા-જુદા પાંચ ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક-એક વર્ષની સજા અને પાંચેય ચેક મુજબની કુલ રકમ રૂ.૨૩.૧૦ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત ફરીયાદી કાંતિલાલ ગાંડાલાલ કલોલાને તેના પુત્ર થકી શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ડિરેકટર સુરેશભાઈ લાભશંકરભાઈ શીલુ, અશ્વિન પોપટભાઈ ભાલોડી અને ભાવેશ પોપટભાઈ ભાલોડી સાથે ઓળખાણ થતા પારિવારીક સબંધો બંધાયા હતા. તે દરમ્યાન શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી. ખોટમાં ચાલતી હોવાથી કંપનીના ત્રણેય ડિરેકટરોએ ફરીયાદી પાસેથી કટકે કટકે કંપનીના વિકાસ માટે રૂા.૨૩.૧૦ લાખ હાથ ઉછીના લીધા હતા. જે રકમની કાંતિલાલ કલોલાએ માંગણી કરતા શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ડિરેકટર અશ્વિન ભાલોડીએ કંપનીના બેંક ખાતાના અલગ અલગ કુલ પાંચ ચેક આપ્યા હતા. જે પાંચેય ચેક “ફન્ડ ઈન્સફીશ્યન્ટ” ના શેરા સાથે વગર વસુલાતે પરત ફર્યા હતા. જે અંગે ફરીયાદીએ કંપની અને તેના ડિરેકટરોને પાઠવેલી લીગલ નોટીસો બજી જવા છતાં પાંચેય ચેક મુજબની રકમ નહી ચુકવી ફરીયાદીની નોટીસનો ઉડાવ જવાબ આપતા ફરીયાદીએ આરોપીઓ સામે ધી નેગાશીએબલ ઈન્સન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ અન્વયે કોર્ટમાં જુદી-જુદી પાંચ ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. જે પાંચેય કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલાઓ ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ કોર્ટે અલગ અલગ પાંચ કેસોમાં શ્રીનાથજી જીનીગ પ્રોસેસ પ્રા.લી.ના ડિરેકટર સુરેશ લાભશંકર શીલુ, અશ્વિન પોપટ ભાલોડી, ભાવેશ પોપટ ભાલોડીને દરેક કેસોમાં એક-એક વર્ષની સજા અને પાંચેય ચેક મુજબની કુલ રકમ રૂ.૨૩.૧૦ લાખ વળતર પેટે ચૂકવવા હુકમ ફરમાવ્યો છે. આરોપી સુરેશ લાભશંકરભાઈ શીલુ સામે ચોટીલા પોલીસમાં ૮૦ લાખની ઠગાઈના કેસમાં સંડોવાયેલ હોવાથી જજમેન્ટના દિવસે કોર્ટમાં હાજર ન રહેતા તેની સામે સજાનું વોરંટ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી સિનિયર ધારાશાસ્ત્રી અર્જુનભાઈ પટેલ, વીનુભાઈ વાઢેર, મહેન ગોંડલીયા, સુરેશ ગાંગાણી, રવિન સોલંકી, ભાર્ગવ પાનસુરીયા અને બલવંત ડાભી રોકાયા હતા.