Rajkot, તા.4
ગઈકાલે ધોળા દિવસે સાધુવાસવાણી રોડ પર ટપાલ ભરેલ થેલા સાથે પોસ્ટમેનનું બાઈક ઉઠાવી કોઈ તસ્કર ફરાર થઈ ગયો હતો. બાઈક સાથેના થેલામાં પોસ્ટ વિભાગની 46 જેટલી ટપાલ કવર આર્ટિકલ હતા. જેથી વાહન ચોરને પકડવા પોલીસમાં દોડાદોડી થઈ ગઈ છે.
ફરિયાદમાં હિતેશકુમાર દલપતભાઇ ચૌહાણ (ઉં. વ. 27, રહે. હાલ થોરાળા ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં 8/10 કોર્નર ઉપર, ભાવનગર રોડ રાજકોટ, મૂળ ગામ ખડખડ તા.કુકાવાવ વડીયા જી અમરેલી)એ જણાવ્યું કે, હું મારા મિત્ર વિપુલભાઇ વાલજીભાઇ ચૌહાણ સાથે રહુ છું. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એરીયા પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરું છું.
મારી પાસે વપરાશ માટે જીજે -14- એબી 3817 નંબરનું સ્પલેન્ડર બાઈક છે. ગઈકાલે બપોરના બેએક વાગ્યાની આસપાસ હું મારુ બાઈક લઇ મારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એરીયા પોસ્ટ ઓફિસમાંથી આર્ટીકલ(ટપાલ)નો જથ્થો બે થેલામાં લઈ નીકળો હતો. ટપાલ આપવા જતા સાધુવાસવાણી રોડ કોપરહાઇટ્સ બિલ્ડીંગની બહાર ફૂટપાથ ઉપર મારુ બાઈક પાર્ક કર્યું હતું.
બે થેલામાંથી એક થેલો ખંભે લઈ ટપાલ આપવા ગયો. બીજો થેલો બાઈકની સાઈડમાં ભરાવેલ હતો. હું આદિત્ય હાઇટ્સ એ વિંગમાં ચોથા માળે ટપાલ આપવા ગયેલો. પછી કોપર હાઇટ્સમાં સી વિંગમાં બીજા માળે તથા બી વિંગમાં આઠમાં, ત્રીજા તથા પહેલા માળે ગયેલ હતો.
પરત જ્યાં બાઈક પાર્ક કર્યું હતું ત્યાં આવી જોયું તો બાઈક કે તેમાં સાઈડમાં ભરાવેલ થેલો જોવા મળેલ નહીં. જેથી કોઈ ચોર ઈસમ 46 ટપાલ ભરેલ થેલા સાથેનું બાઈક ચોરી કરી ગયો હોય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુનિવર્સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ મારૂ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.