વ્યાજના વિષચક્ર અંગે જાગૃતતા સેમિનાર યોજ્યા : 13 લોન મેળામાં 648 લાભાર્થીઓને સહાય અપાઈ
Rajkot,તા.૧૨
રાજકોટ શહેર પોલીસે શરૂ કરેલી વ્યાજંકવાદ વિરોધી અભિયાનમાં 40 દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 ગુના દાખલ કરીને 12 વ્યાજખોરોને પાંજરે પુરવામાં આવ્યા છે. ઉપરાંત શહેર પોલીસ દ્વારા અલગ્ય અલગ વિસ્તારોમાં લોનમેળા તેમજ વ્યાજંકવાદ વિરોધી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાના નેતૃત્વમાં ગત 28 જૂનના રોજ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે વ્યાજંકવાદ વિરોધી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વ્યાજને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદ્દીથી મુક્ત કરવા અને વ્યાજંકવાદને સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર અસરકારક આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનના ભાગરૂપે રાજકોટ શહેરના નાગરિકો આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર શખ્સો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય ત્યારબાદ ભોગ બનનાર વ્યક્તિ સતત ઊંચું વ્યાજ ચૂકવવા માટે મજબૂર બનતી હોય છે. ગેરકાયદે નાણા ધીરધાર કરતાં વ્યાજખોરો પાસેથી એક વાર રૂપિયા લીધા બાદ વ્યાજનું વિષચક્ર જાણે ક્યારેય પૂર્ણ ન થતું હોય તે રીતે સતત વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને પરિણામે ભોગ બનનાર વ્યક્તિ અઘટિત પગલું લેવા મજબૂર બની જતો હોય છે. ત્યારે આવી ગેરકાયદેસર વ્યાજ વટાવની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરવા જાહેર જનતાને આહવાન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે જન સંપર્ક સભામાં ભોગ બનેલ વ્યક્તિઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
જે કાયદા હેઠળની તમામ જાગૃતતા લોકોને આપવામાં આવી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાં ધીરધાર અંગેની ગાઈડલાઈન બાબતે પણ લોક દરબારમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ અભિયાનમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ 40 દિવસના સમયગાળા દરમિયાન 10 જેટલા ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધવામાં આવ્યા છે. ગેરકાયદે નાણા ધીરધાર કરતા 12 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરીને તેમને જેલરૂપી પાંજરામાં પુરવામાં આવ્યા છે.
અંદાજિત 40 લાખની લોન અપાવી દેવાઈ : 1.21 કરોડની લોનની પ્રોસેસ ચાલુ
રાજકોટ શહેર પોલીસે ફક્ત વ્યાજખોરો વિરુદ્ધ પગલાં લેવાથી વ્યાજંકવાદને ડામી શકાય નહિ, લોકોની નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવી અતિ આવશ્યક છે તેવી દીર્ઘદ્રષ્ટિ સાથે શહેરમાં કુલ 13 લોનમેળા યોજ્યા હતા. જે દરમિયાન 648 લાભાર્થીઓને લોનરૂપી નાણાકીય સહાય અપાવવા મદદ કરવામાં આવી છે. હાલ સુધીમાં 39.90 લાખની લોન આપી દેવામાં આવી છે જયારે રૂ. 1,21,55,000ની લોનની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં આ લોન પણ મંજુર થઇ જશે તેવી પ્રબળ શક્યતા છે.