Rajkot,તા.૧૬
રાજકોટના સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધા છે. આ બનાવમાં ચારના મોત થયા છે અને ચારને ઇજા થઈ છે. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બનેલા આ બનાવના પગલે લોકોમાં આક્રોશની લાગણી છે. મૃતકોની ઓળખ થઈ છે, તેમા રાજુભાઈ, સંગીતાબેન નેપાળી કિરણબેન ઠક્કર, દિનેશભાઈનું મોત થયું છે. અકસ્માતના પગલે લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા હતા. અકસ્માત સર્જયા પછી ડ્રાઇવર ભાગી ગયો હતો અને કંડક્ટર પણ અદ્રશ્ય થઈ ગયો હતો. સિટી બસ ચાલકે એક સાથે પાંચ વાહનોને હડફેટે લીધા હતા. બસમાં સવાર મુસાફરોએ પણ લોકોના ગુસ્સાથી બચવા દોટ લગાવી હતી.
હાલમાં ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે, તેની સાથે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવી રહી છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને સ્થિતિને અંકુશમાં લઈને રસ્તો ક્લિયર કરાવી રહી છે. અકસ્માત સર્જનાર બસ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા નામનો વ્યક્તિ છે. આ અંગે સિટી ઇજનેર પી.ડી. અઢિયાએ જણાવ્યું હતું કે સિગ્નલ ખૂલતા જ બસ ચાલુ થઈ હતી અને તેની બ્રેક ફેઇલ થઈ ગઈ હતી અને તેના કારણે આ અકસ્માત થયો હતો. ઘટનાના સ્થળે એફએસએલની ટીમ પણ પહોંચી ગઈ છે.
આ બસનો કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર આ બનાવના પગલે ફરાર થઈ ગયો છે. તે રાજકોટમાં વોર્ડ-૪નો ભાજપનો મહામંત્રી હતો. તેણે ફરાર થતાં પહેલા ગ્રુપના ડ્રાઇવરોને મેસેજ કર્યો હતો કે જે ડ્રાઇવર પાસે લાઇસન્સ ન હોય તે તાત્કાલિક બસ મૂકીને રવાના થઈ જાય. આ અંગે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેદની લાગણી વ્યક્ત કરી હતી.
રાજકોટ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને ૧૫-૧૫ લાખની સહાયની સરકારે જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને બે લાખની સહાય જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર તુષારે આ જાહેરાત કરી છે. આ બસનું સંચાલન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (આરએમસી) દ્વારા રાજપથ સિટીબસ લિમિટેડના નામથી સંચાલન થાય છે. તેમા ડ્રાઇવર અને કંડકટરોની ેજન્સી દ્વારા ભરતી કરવામાં આવે છે. દર્શિતા શાહે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈને છોડવામાં નહીં આવે.
રાજકોટમાં રફતારના રાક્ષસોએ રીતસરનો કહેર વર્તાવ્યો છે. જાન્યુઆરીથી છેલ્લા ત્રણ મહિનામાં થયેલા કુલ ૨૧૭ અકસ્માતમાં ૩૬નો જીવ ગયો છે. જાન્યુઆરીમાં ૮૫ અકસ્માતમાં ૧૧ના જીવ ગયા, ફેબ્રુઆરીમાં ૬૪ અકસ્માતમાં ૧૯ના જીવ ગયા, માર્ચમાં ૬૮ અકસ્માતમાં ૧૭ લોકો મોતને ભેટ્યા.