Rajkot માં ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડા પર જનતા રેડ! દારૂડિયાઓમાં દોડધામ

Share:

Rajkot,તા.30

 ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના અવાર-નવાર ધજાગરા થતાં જોવા મળે છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાની માહિતી સામે આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી. રાજકોટમાં દેશી દારૂના ખુલ્લેઆમમ વેચાણથી કંટાળેલાં સ્થાનિકો જાતે જ કાર્યવાહી પહોંચ્યા હતાં. રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડવામાં આવી હતી. જેનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. 

શું હતી સમગ્ર ઘટના? રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોએ જાતે જ જનતા રેડ પાડવાનું નક્કી કર્યું હતું. સ્થાનિકો દ્વારા પોત-પોતાના મોબાઈલમાં વીડિયો શરૂ રાખીને જનતા રેડ પાડવામાં આવી હતી. વીડિયોમાં જોવા મળ્યું કે, લોકો જાહેરમાં દેશી દારૂ પી રહ્યાં હતાં, તેમજ રસ્તા પર ખુલ્લેઆમ દેશીદારૂની કોથળીઓનો ઢગલો હતો. જનતા રેડને જોતાં જ દારૂડિયાઓ ત્યાંથી ભાગી રહ્યાં હતાં. આ સિવાય જનતા રેડ કરવા ગયેલાં લોકોએ બે થી ત્રણ મોટાં-મોટાં કોથળા ભરીને દેશી દારૂનો જથ્થો પણ ઝડપ્યો હતો.

તંત્ર સામે સવાલ

રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર કરવામાં આવેલી જનતા રેડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર પર મોટા સવાલ ઊભા થાય છે. જો જાહેર જનતાને ખબર પડતી હોય કે, આ જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થાય છે, તો પોલીસને આ વિશે માહિતી કેમ નથી મળતી? જો સ્થાનિકો ત્યાં જઈને દરોડા પાડી આ દેશી દારૂના વેચાણને ઉજાગર કરી શકતી હોય તો પોલીસ ત્યાં દરોડા કેમ નથી પાડી શકતી? ગુજરાતમાં જ્યારે-જ્યારે લઠ્ઠાકાંડ થાય, ત્યારે તંત્ર દોડતું થાય છે, તો તે પહેલાં આ દેશી દારૂનો વેપલો કેમ બંધ કરવામાં નથી આવતો? આખરે ખુલ્લેઆમ આ દેશી દારૂ કોની દયા દ્રષ્ટિ હેઠળ વેચાઈ રહ્યો છે? રાજકોટની જનતા રેડથી દારૂબંધીને લઈને પોલીસ કાર્યવાહીને જોતાં લોકો તેમની પ્રામાણિકતા પર પણ પ્રશ્નો કરી રહ્યાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *