100 રૂપિયાના ડખ્ખામાં બોલાચાલી કરી તોફાન કરનાર જયદેવ રામાવત, ચિરાગ બાવાજી અને સગીરને ઝડપી લેવાયા
Rajkot,તા.18
શહેરમાં તદ્દન નજીવી બબતોના હુમલા સહીતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ઉત્તરાયણની રાત્રે અંદાજિત અગિયાર વાગ્યાં આસપાસ યુનિવર્સીટી રોડ પર આવેલી નકળંગ હોટેલ પર ફક્ત 100 રૂપિયાના ડખ્ખામાં બોલાચાલી કરી ગાળો ભાંડનાર બે શખ્સોંએ બે કલાક બાદ હોટેલ પર છુટ્ટા પેટ્રોલ બૉમ્બનો ઘા કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી. જે બાદ યુનિવર્સીટી પોલીસે તાત્કાલિક હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન જયદેવ રામાવત અને એક સગીરની સ્થાનિક પોલીસે જયારે એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. જે બાદ યુનિવર્સીટી પોલીસે હુમલાખોરોને ઘટનાસ્થળે લઇ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરી સરઘસ કાઢ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અને આકાશવાણી ચોકમાં નકળંગ ટી સ્ટોલ ધરાવતા જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા ગત તા.14ની રાત્રીના પોતાની હોટેલે હતા ત્યારે હોટેલની નજીક ભગતસિંહ ગાર્ડન પાસે ક્વાટર્સમાં રહેતો જયદેવ મહેશ રામાવત હોટેલે આવ્યો હતો અને હોટેલ સાથેની પાનની દુકાને માવો ખરીદ કર્યા બાદ રૂ.100ની નોટ આપ્યાનું કહી ધમાલ કરી હતી.થોડીવાર બાદ નકળંગ હોટેલ પર પેટ્રોલ બોંબના ઘા થયા હતા, પેટ્રોલ ભરેલી સળગતી બે બોટલ ફેંકાતા હોટેલે હાજર ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનાને પગલે યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં સ્થળ નજીકથી વધુ બે પેટ્રોલ બોંબ મળી આવ્યા હતા.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન.પટેલ સહિતની ટીમે જયદેવ મહેશ રામાવત તથા એક સગીરવયના નેપાળી શખ્સને ઝડપી લીધા હતા. જ્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે ચિરાગ શૈલેષ જલાલજીને ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસ હવાલે કર્યો હતો.
આ મામલે પોલીસે હુમલાખોરોને ઘટનાસ્થળે લઇ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. હુમલાખોરોને જાહેરમાં માફી મંગાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.