Jaipur,તા.29
IPL 2025માં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે જયપુરમાં મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સની ભવ્ય જીત થઇ હતી. ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે 210 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જો કે, વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગના સહારે રાજસ્થાને 15.5 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરીને ગુજરાત સામે સરળતાથી જીત મેળવી હતી. ગુજરાત ટાઇટન્સે આપેલા 210 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમના ઓપનર બેટર્સ યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ આજની મેચમાં તોફાની બેટિંગ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં 101 રન જ્યારે યશસ્વી જયસ્વાલે 40 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા. આ સિવાય ટીમના કેપ્ટન રિયાન પરાગે પણ 15 બોલમાં 32 રન બનાવીને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બોલિંગની વાત કરીએ તો મહિશ તિક્ષ્ણાએ 2 જ્યારે જોફ્રા આર્ચર અને સંદીપ શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે પણ શાનદાર બેટિંગ કરી હતી. ગુજરાત તરફથી ટીમના કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 50 બોલમાં 84 રન બનાવ્યા હતા. ગિલ સિવાય જોસ બટલરે 26 બોલમાં 50 રન અને સાંઇ સુદર્શને 30 બોલમાં 39 રન બનાવ્યા હતા. આમ ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રનનું ટાર્ગેટ આપ્યું હતું. જો કે, ગુજરાતના બોલર્સ આજે કંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. રાશિદ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ ઝડપી હતી. આ સિવાય કોઇ પણ બોલર વિકેટ લઇ શક્યો નહોતો. જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી હતી. વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારવાની સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે IPLની આ સિઝનની સૌથી ઝડપી અર્ધ સદી ફટકારી, રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી અર્ધ સદી ફટકારી. આ સાથે, ગુજરાત ટાઇટન્સ સામે આ IPLમાં સૌથી ઝડપી અર્ધ સદી અને સદી ફટકારી. એટલું જ નહીં, તે IPLમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટર પણ બની ગયો છે.