Surendranagar,તા.08
સુરેન્દ્રનગર શહેરમાં એમ.પી.શાહ આર્ટસ એન્ટ સાયન્સ કોલેજ ખાતે એબીવીપીના આગેવાનો અને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો અને વિદ્યાર્થીઓના રિઝલ્ટ સુધારી પેપર રિચેકીંગની ફી પરત આપવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં બી.એ. સેમેસ્ટર-૨માં મનોવિજ્ઞાાન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઈતિહાસના વિષયમાં કોલેજ દ્વારા ઈન્ટરનલ માર્કસમાં અંદાજે ૬૫ જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ રિઝલ્ટ આવ્યાના સાત દિવસમાં અરજી કરી સુધારવાની માંગ કરી હતી. ઈતિહાસ વિષયના પ્રાધ્યાપક દ્વારા અરજી આપ્યા બાદ પણ કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી અને અરજી આપ્યાથી ચાર મહિનાથી વધુ સમય વિતિ ગયો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ઉપરાંત યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવ્યું ત્યારે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સીટીના રિચેકીંગ માટે ફોર્મ ભરી રૂા.૨૨૦ પણ વિદ્યાર્થથી દીઠ ભરાવવામાં આવ્યા હતા. કોલેજની ભુલ હોવા છતાં વિદ્યાર્થીને રૂપિયા ભરાવતા રોષ જોવા મળ્યો હતો. આ મામલે કોઈ ઉકેલ ન આવતા એબીવીપીના કાર્યકરોઓએ કોલેજમાં સુત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરી તાત્કાલીક ધોરણે ઈન્ટરનલ માર્કસમાં નાપાસ કરેલ ૬૫ વિદ્યાર્થીઓના રિઝલ્ટ સુધારી રિચેકીંગ ફી પરત આપી અરજી પર પગલા નહીં ભરનાર પ્રાધ્યાપક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તમામ પ્રશ્નોેનો આગામી ત્રણ દિવસમાં ઉકેલ નહીંં આવે તા એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ તકે કોલેજના પ્રિન્સીપાલે યોગ્ય ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી.