New Delhi, તા.૧૬
દેશમાં આ દિવસોમાં નવા વક્ફ કાયદાને લઈને ઘણો હોબાળો મચી ગયો છે. સંસદમાંથી પસાર થયેલા આ નવા કાયદાને લઈને વિરોધ પ્રદર્શનની આગમાં એક તરફ પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો ભડકે બળી રહ્યા છે, તો બીજી તરફ આ કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે. આ દરમિયાન દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓની તાજેતરની ગતિવિધિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અટકળો ચાલી રહી છે કે શું દેશમાં ફરી કંઈક મોટું થવાનું છે? શું આ બેઠકો કોઈ મોટા રાજકીય ફેરફારની તૈયારીનો ભાગ છે? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને ગઈ રાત્રે એક હાઈ-પ્રોફાઈલ બેઠકે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓની આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા નેતાઓની હાજરી એ દર્શાવે છે કે ચર્ચામાં રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પણ સામેલ હોઈ શકે છે. આ ઉપરાંત, પીયૂષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવની હાજરી આર્થિક અને માળખાગત મુદ્દાઓ તરફ ઈશારો કરે છે. કેટલાક જાણકારોનું માનવું છે કે આ બેઠક મંત્રીમંડળના વિસ્તરણ અથવા ફેરબદલની શક્યતાને પણ બળ આપે છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી. આ મુલાકાત પણ લગભગ એક કલાક સુધી ચાલી. જોકે, આ મુલાકાતનો સત્તાવાર એજન્ડા સામે આવ્યો નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
કેટલાકનું માનવું છે કે આ એક ઔપચારિક મુલાકાત હોઈ શકે છે, તો કેટલાક જે.પી નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી બેઠક સાથે તેને જોડી રહ્યા છે. શું આ મુલાકાત કોઈ મોટા બંધારણીય કે વહીવટી નિર્ણય સાથે જોડાયેલી છે? શું સરકાર કોઈ મોટું પગલું ભરવાની તૈયારીમાં છે? આ પ્રશ્નો સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બન્યા છે.
પીએમ મોદીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત અને જે.પી નડ્ડાના નિવાસ સ્થાને બેઠકને લઈને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા યૂઝર્સે આને ‘કંઈક મોટું થવાનો’ સંકેત ગણાવ્યો છે. એક યૂઝરે લખ્યું, ‘મોદીજીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત અને જે.પી નડ્ડાના ઘરે દિગ્ગજ નેતાઓની બેઠક- ચોક્કસ કંઈક મોટું થવાનું છે.’ કેટલાકે આને મંત્રીમંડળના વિસ્તરણ સાથે જોડ્યું, તો કેટલાકે તેને તાજેતરના રાજકીય ઘટનાક્રમો, જેમ કે વિપક્ષી નેતાઓ પર ઈડ્ઢની કાર્યવાહી, સાથે જોડીને જોયું. જોકે, આ અટકળોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
હાલમાં, આ બેઠકો અને મુલાકાતોનો સાચો હેતુ સ્પષ્ટ નથી, પરંતુ એટલું નિશ્ચિત છે કે ભાજપ કંઈક મોટું કરવાની તૈયારીમાં છે. આ રાજકીય, વહીવટી કે સંગઠનાત્મક ફેરફાર હશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. રાજકીય ગલિયારાઓ અને સોશિયલ મીડિયા પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, અને સૌની નજર હવે ભાજપના આગલા પગલા પર ટકેલી છે.