કોરોનાએ કાળો કેર વર્તાવેલો, ત્યારે પેટ્રોલ-ડીઝલની ખપત ઘટી ગયેલી ને ક્રૂડના ભાવ તળિયે ગયેલા, પણ સરકારે એક યા બીજે બહાને ઈંધણના ભાવ ઘટાડયા ન હતા. ક્રૂડના ભાવ ચાર વર્ષને તળિયે છે. બ્રેન્ટ ક્રૂડ ૧૨ ટકા ઘટયું હતું, બીજી બાજુએ ટ્રમ્પનું ટેરિફ વોર વૈશ્વિક આર્થિક સ્થિતિને ડામાડોળ કરી રહ્યું છે, ત્યારે સરકારે લિટરે, પેટ્રોલ અને ડીઝલ પર ૨ રૃપિયા એક્સાઈઝ ડયૂટી વધારી છે. એ પછી અડધા કલાકમાં જ બીજું નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે ૨ રૃપિયાનો ભાવ વધારો જનતાએ ભોગવવાનો નથી. તે કંપનીઓ ભોગવશે. ચર્ચા એવી શરૃ થઈ હતી કે, ક્રૂડમાં ૧૬ ટકાનો ઘટાડો થયો એ સ્થિતિમાં લિટરે ૪થી ૫ રૃપિયાનો ઘટાડો કરીને સરકાર પ્રજાને રાહત આપી શકી હોત, તેને બદલે એક્સાઈઝ ડયૂટીમાં ૨ રૃપિયાનો વધારો કર્યો. એ ડયૂટી ક્યારેય લાગુ થશે જ નહીં, એવું વચન સરકારે આપ્યું નથી. બીજું એક જોખમ એ છે કે ડોલર સામે રૃપિયો તૂટતો જઈ રહ્યો છે. એ સ્થિતિમાં ક્રૂડના ભાવ ઘટે તો પણ ડોલરમાં તે ખરીદવા વધારે રૃપિયા ચૂકવવા પડે ને એનું પરિણામ ઈંધણના ભાવ વધારામાં જ આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૧૪થી પેટ્રોલ, ડીઝલના ભાવ ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. અત્યારે તો રાહત છે કે ઇંધણનો ભાવ સીધી અસર નહીં કરે, પણ પ્રજા તેની આડ અસરથી મુક્ત નહીં રહી શકે.
પેટ્રોલ અને ડીઝલ પર ૨ રૃપિયા એક્સાઈઝ ડયૂટી વધારી એ વાત સાથે તા. ૭ એપ્રિલે ઘરેલુ રાંધણ ગેસ-એલપીજી-ના બાટલા પર ૫૦ રૃપિયાનો સીધો જ વધારો ઝીંકયો છે. એથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાશે, પણ ઉજ્જવલા ગેસ યોજના હેઠળની ગૃહિણીઓ પણ આંચકો ખાશે, કારણ એમને પણ બાટલા પર ૫૦નો વધારો ઝીંકાયો છે. ગેસ સિલિન્ડરને મામલે કદાચ પહેલી વખત એવું બન્યું છે કે ગરીબ તેમ જ મધ્યમવર્ગના લોકો સિલિન્ડર દીઠ એક સાથે ૫૦ રૃપિયાનો માર વેઠશે. એક તરફ વૈશ્વિક આર્થિક સ્થિતિ ડામાડોળ છે, બીજી તરફ મધ્યમવર્ગ અસહ્ય મોંઘવારી વેઠી રહ્યો છે, ગુજરાતમાં મધ્યમવર્ગને ૮૦૯માં ગેસનો બાટલો મળતો હતો તે હવે ૮૫૯માં મળશે. આ મુદ્દે કોંગ્રેસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું માનવું છે કે મે, ૨૦૧૪ની સરખામણીમાં ક્રૂડના ભાવ ૪૧ ટકા ઘટયા છે, પણ સરકાર ઈંધણના ભાવ ઘટાડવાને બદલે એક્સાઈઝ ડયૂટી લિટરે ૨ રૃપિયા વધારે છે. એલપીજી પર ૫૦નો ફટકો ઉજ્જવલાની ગરીબ મહિલાઓને પણ પડયો છે. આ છેતરપિંડી છે. કોઈ વિપક્ષ આ વધારાનો વિરોધ કરે કે વધારો પાછો ખેંચવાનું કહે, તો તે વિપક્ષનો વિરોધ છે, એટલા માત્રથી તેને અવગણી શકાય નહીં. સાચું તો એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ ઘટી રહ્યા છે, એ સ્થિતિમાં ઘરેલુ ગેસ પર ૫૦નો વધારો જરૃરી ન હતો. સરકાર સંદર્ભે પ્રજામાં બે પક્ષ પડી ગયા છે. એક પક્ષ એવો છે જે સરકારની નિત્ય આરતી ઉતારે છે ને બીજો એવો છે જે સરકારની સતત ટીકા જ કર્યે જાય છે. અસત્ય બંનેમાં છે. એ ખરું કે સામાન્ય ઘરોમાં પણ ગાડી આવી ગઈ છે, ક્યાંક તો એકથી વધુ છે, ત્યાં એ લકઝરી હશે ને એ દેશની પ્રગતિને કારણે શક્ય બન્યું એ પણ ખરું, પણ નોકરિયાતને, સ્કૂટર દરેક વખતે લકઝરી નથી. એ જરૃરિયાત છે. સ્કૂટર ખરીદવાની એની તાકાત નથી, એ લોનને કારણે શક્ય બન્યું. આમ તો લોન ભરવાનું એનું ગજું જ નથી, પણ નોકરી દૂર મળી છે ને ત્યાં પહોંચવા સ્કૂટર અનિવાર્ય છે એટલે લેવું પડયું છે. એને પેટ્રોલનો ભાવ વધે તો ગળે આવે.