શ્રીલંકાની સરકાર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
Colombo, તા. ૫
શ્રીલંકાની સરકાર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીલંકન સરકારનો આભાર માનતા કહ્યું હતું કે, તમે અમારા માત્ર પાડોશી જ નહીં પરંતુ મિત્ર પણ છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે અને ત્યાં તેમનું પરંપરાગત સ્વાગત કરવા ઉપરાંત શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ સન્માન માટે શ્રીલંકાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ ફક્ત તેમના માટે જ નહીં પરંતુ ૧૪૦ કરોડ ભારતીયો માટે સન્માન છે. પીએમ મોદી શ્રીલંકાના ૩ દિવસના પ્રવાસે છે. પીએમ મોદીની મુલાકાતના પહેલા દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ અને માળખાગત સુવિધાઓ સહિત અનેક કરારો પર હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ભારતનું વિઝન સબકા સાથ, સબકા વિકાસ રહ્યું છે. અમે મિત્ર દેશોને પ્રાથમિકતા આપીએ છીએ. શ્રીલંકા ફક્ત આપણો પાડોશી દેશ જ નથી પણ એક સારો મિત્ર પણ છે. શ્રીલંકાના મુશ્કેલ સમયમાં અમે તેની સાથે મજબૂતીથી ઊભા રહ્યા છીએ. આજે પ્રમુખ દિસાનાયકે દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણાય એવોર્ડ એનાયત થયો તે મારા માટે ગર્વની વાત છે. આ સન્માન ફક્ત મારું નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાને અંજલિ છે. ભારત માટે ગર્વની વાત છે કે આપણે એક સાચા પાડોશી અને મિત્ર તરીકેની આપણી ફરજો નિભાવી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, ‘૨૦૧૯નો આતંકવાદી હુમલો હોય, કોવિડ રોગચાળો હોય કે તાજેતરનું આર્થિક સંકટ હોય- દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અમે શ્રીલંકાના લોકો સાથે ઊભા રહ્યા છીએ.’ અમારી નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝન ‘મહાસાગર’ બંનેમાં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે. ભારતે ‘સબકા સાથ સબકા વિકાસ’નું વિઝન અપનાવ્યું છે. અમે અમારા ભાગીદાર દેશોની પ્રાથમિકતાઓને પણ મહત્વ આપીએ છીએ. છેલ્લા ૬ મહિનામાં જ, અમે ૧૦૦ મિલિયન ડોલરથી વધુની લોનને ગ્રાન્ટમાં રૂપાંતરિત કરી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના આધ્યાત્મિક અને સ્નેહપૂર્ણ સંબંધો છે. મને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ૧૯૬૦માં ગુજરાતના અરવલ્લીમાં મળેલી ભગવાન બુદ્ધને લગતી વસ્તુઓ પ્રદર્શન માટે શ્રીલંકા મોકલવામાં આવી રહી છે. ભારત ત્રિંકોમાલીમાં તિરુકોનેશ્વરમ મંદિરના નવીનીકરણમાં સહયોગ કરશે. અમે માછીમારોની આજીવિકા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમે સંમત છીએ કે આપણે આ બાબતમાં માનવતાવાદી અભિગમ અપનાવવો જોઈએ. અમે માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટો પરત કરવા પર પણ ભાર મૂક્યો. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત છે.