New Delhi,તા.૨૯
વડાપ્રધાન મોદીએ ટિ્વટમાં લખ્યું છે કે, ‘ભારત અને કેનેડા સહિયારા લોકશાહી મૂલ્યો કાયદાના શાસન પ્રત્યે પ્રતિબદ્ધતા અને લોકો વચ્ચેના જીવંત સંબંધોથી બંધાયેલા છે. હું તમારા લોકો માટે વધુ તકો ખોલવા અને અમારી ભાગીદારીને મજબૂત બનાવવા માટે તત્પર છું.’ કેનેડામાં ગઈકાલે (૨૮ એપ્રિલ) ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી બાદ માર્ક કાર્નીની લિબરલ પાર્ટી ૩૪૩ બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે.
માર્ક કાર્નીનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૬૫ના રોજ કેનેડામાં ફોર્ટ સ્મિથ નામના સ્થળે થયો હતો, જે આર્કટિકની નજીક છે. તેમનું બાળપણ એડમોન્ટન નામના શહેરમાં પસાર થયું. માર્ક કાર્નીએ અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી અને ઇંગ્લૅન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. માર્ક કાર્નીએ પોતાના કરિયરની શરુઆતમાં ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર તરીકે કામ કર્યું અને ન્યૂયોર્ક, લંડન, ટોક્યો અને ટોરોન્ટો જેવા મોટા શહેરોમાં કામ કરીને પૈસા કમાયા. બાદમાં તેમણે સિવિલ સર્વિસ પસંદ કરી અને ૨૦૦૮માં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન સ્ટીફન હાર્પરએ તેમને બૅન્ક ઑફ કેનેડાના ગવર્નર બનાવ્યા.
માર્ક કાર્ની એવા રાજકારણીનો વિજય છે જેમને રાજકારણમાં નહીં પણ અર્થતંત્રને સંભાળવાનો અનુભવ છે. તેમણે ૨૦૦૮થી ૨૦૧૩ સુધી બૅન્ક ઑફ કેનેડાના ગવર્નર અને ૨૦૧૩થી ૨૦૨૦ સુધી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ગવર્નર તરીકે સેવા આપી હતી. ખાસ વાત એ છે કે જ્યારે તેમણે જસ્ટિન ટ્રૂડોને હટાવીને લિબરલ પાર્ટીની કમાન સંભાળી હતી અને માર્ચમાં પીએમ બન્યા, ત્યારે તેમની પાસે હાઉસ ઑફ કોમન્સ એટલે કે કેનેડાની સંસદમાં કોઈ બેઠક નહોતી. આથી એવું કહી શકાય કે તેઓ સાંસદ નહોતા. તેઓ કેનેડિયન ઇતિહાસમાં હાઉસ ઑફ કોમન્સમાં બેઠક વગરના બીજા વડાપ્રધાન બન્યા.
માર્ચમાં કાર્નીએ પીએમ તરીકે શપથ લીધા ત્યારથી, ભારતને કેનેડા સાથેના સંબંધોમાં સુધારો થવાની આશા હતી. એવું માનવામાં આવતું હતું કે માર્ક કાર્નીનું પીએમ બનવું એ કેનેડામાં ભારત માટે એક નવી શરુઆત જેવું છે અને હવે ફરી ચૂંટણી પછી, તે નવી શરુઆતને સારા સંબંધમાં રૂપાંતરિત કરવાનો સમય આવી ગયો છે. માર્ક કાર્ની માર્ચમાં પીએમ તરીકે ચૂંટાયા તે પહેલાં જ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી હતી. કાર્નીએ કહ્યું હતું કે, ’જો હું વડાપ્રધાન બનીશ, તો હું ભારત સાથે વેપાર સંબંધો ફરીથી બનાવીશ.’