ચાલુ વર્ષે પૂનમના રોજ અંદાજે પાંચ લાખથી વધુ પદયાત્રીકો દર્શનાર્થે ઉમટે તેવી શક્યતા છે. મંગળવાર રાત્રીથી પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે. બુધવાર સુધીમાં અંદાજે ૫૦ હજારથી વધુ પદયાત્રીઓ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત તરફથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર તરફ આવી રહ્યા છે અને ‘ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ’ના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠયાં છે.
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે સાથે કાળઝાળ ગરમીમાં પદયાત્રી સહિતના ભક્તોને મુશ્કેલી ના પડે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર સહિતની ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પાંચ દિવસ સુધી પાંચ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ જૂદા જૂદા પાંચ પોઈન્ટ્સ પર ૨૪ કલાક તૈનાત રહેશે. એક એમ્બ્યુલન્સમાં એક પાયલોટ, ઈએનટી મળી ચાર વ્યક્તિઓ સાથે ૨૦ વ્યક્તિઓનો સ્ટાફ હાજર રહેશે.
જેમાં તા.૧૧ માર્ચથી ૧૫ માર્ચ સુધી ડાકોર મંદિરના ગેટ પાસે, ડાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, ગાયોના વાડે, નગરપાલિકા પાસે, ઠાસરા રોડ પર આવેલી પીડબલ્યૂડી ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પોલીસ દ્વારા કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નેત્રમ સીસીટીવી કેમેરા દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા-નડિયાદ દ્વારા ડાકોર ફાગણોત્સવ-૨૦૨૫ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જેમાં હાસ્યકલાકાર દ્વારા હળવી શૈલીમાં ગ્રામીણ જીવનની પ્રસ્તુતી કરી હતી. ઉપરાંત વિવિધ કલાકારો દ્વારા ઢાલ-તલવાર રાસ, ક્રિષ્ના લીલા, સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ડાકોરના ઠાકોરના તાલે ગરબે ઝૂમ્યાં હતાં.