જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવી દીધી છે
New Delhi, તા.૨૬
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યારે જળશક્તિ મંત્રી સાથે બેઠક યોજ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે નિર્ણય લીધો છે કે સિંધુ નદીનું એક પણ ટીપું પાણી પાકિસ્તાનમાં નહીં જાય . તેની બાદ પાકિસ્તાનના નેતાઓ પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે અમેરિકા સહિત તમામ દેશોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે.જ્યારે બીજી તરફ પાકિસ્તાની સેનાએ સતત બીજા દિવસે સરહદ પર ગોળીબાર કર્યો. આ પહેલા પણ ગુરુવાર અને શુક્રવારની રાત્રે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો.પહેલગામ હુમલા બાદ ભારતીય સેના પણ એક્શન મોડમાં આવી છે. શુક્રવારે ભારતીય સેનાએ એક અથડામણમાં એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. કાશ્મીરમાં આતંકવાદીઓના ઘરોની તપાસ કર્યા પછી તેમને વિસ્ફોટો દ્વારા ઉડાવી દેવામાં આવી રહ્યા છે. આનાથી આતંકવાદીઓના નેટવર્ક પર અસર પડશે.આ ઉપરાંત મંગળવારે બપોરે પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો.જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં ચાર આતંકવાદીઓ સામેલ હતા. જેમણે પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. ભારતે પાકિસ્તાનનું દૂતાવાસ બંધ કરી દીધું. પાકિસ્તાનમાં ભારતનું દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યું. પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા હતા અને તેમને પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું.