New Delhi,તા.25
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓલ આઉટ વૉરની આશંકા વધતી જઇ રહી છે. એટલા માટે દુનિયાએ પણ પરમાણુ શક્તિથી લેસ બે રાષ્ટ્ર વચ્ચે આ યુદ્ધની આશંકાઓથી ચિંતિત થવાની જરૂર છે. આ મામલે ખ્વાજા આસિફે અમેરિકન પ્રમુખને અપીલ કરતાં હસ્તક્ષેપ કરવા કહ્યું છે.
પાક. સંરક્ષણ મંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરતાં કહ્યું કે તમે વિશ્વની સત્તાઓનું નેતૃત્વ કરો છો. અમારી માગ છે કે તમે ભારત અને પાકિસ્તાનના વિવાદમાં દખલ કરો. અમને આશા છે કે આ વિવાદનો ઉકેલ સંવાદના માધ્યમથી આવી જશે.
ઉલ્લેખનીય છે કે પહલગામમાં આતંકી હુમલામાં 28 નિર્દોષ સહલાણીઓના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તંગદિલી ચરમસીમાએ પહોંચી ગઇ છે. આ હુમલામાં પાકિસ્તાનીઓની ભૂમિકાના પુરાવા પણ મળી રહ્યા છે અને તમામ શંકાની સોય પાકિસ્તાન તરફ જ ઈશારો કરી રહી છે.
ખ્વાજા આસિફે ભારતના આરોપોને ફગાવતા કહ્યું કે ફોલ્સ ફ્લેગ ઓપરેશન હેઠળ ભારતે જ આ ઘટનાને અંજામ આપ્યો છે. ખ્વાજાએ શેખી મારતા કહ્યું કે બંને પક્ષો વચ્ચે વધતા તણાાવ અને કૂટનીતિક પ્રયાસો વચ્ચે અમે કોઈપણ સ્થિતિનો સામનો કરવા તૈયાર. ભારત જેવી કાર્યવાહી કરશે એની સામે એ જ ભાષામાં જવાબ આપીશું. જો કોઈ ઓલ આઉટ વૉર થશે તો નક્કી જ કોઈ મોટું સંઘર્ષ થવાનું છે.