Ahmedabad તા.16
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં કૌશિક ચૌહાણ નામના એક ટેક્સીચાલકે વાસણા વિસ્તારથી જુહાપુરા સુધીમાં લગભગ સાતથી આઠ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.
જોકે, આ દરમિયાન રોષે ભરાયેલા લોકોના ટોળાએ તેને ગાડીમાંથી ખેંચીને માર મારતાં તેનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. કારચાલક નશામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મંગળવારે રાત્રે વાસણા રોડથી લઈને જુહાપુરા સુધીમાં કારચાલકે સાતથી આઠ લોકોને અડફેટે લીધા હતાં. ડ્રાઈવર મૂળ ભાવનગરનો કૌશિક ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જિદે આવીને અથડાઈ બાદમાં કાર રોકાઈ હતી.
અકસ્માત બાદ ટેક્સી ડ્રાઇવર લોકોના હાથે ચઢ્યો અને સ્થાનિકોએ કાયદો હાથમાં લઈ તેને ખૂબ માર માર્યો હતો. આ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, કારચાલકનું મોત અકસ્માતમાં થયું હતું કે માર મારવાના કારણે તેનું કારણ હજુ અકબંધ છે.
ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, કઈઇ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં અને મૃતક ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નશામાં ધૂત કારચાલક વાસણાથી કેટલાંક વાહનોને અડફેટે લેતા-લેતા આવ્યો હતો. જેના કારણે કેટલાંક વાહનો તેનો પીછો કરી તેની પાછળ આવી રહ્યા હતાં. આ લોકોથી બચવા માટે જુહાપુરાની તંગ ગલીમાં આવ્યો હતો.
જુહાપુરામાં પણ આ ડ્રાઇવરે 7થી 8 લોકોને અડફેટે લીધા હતાં. બાદમાં સ્થાનિક લોકોના હાથે ચઢી જતાં લોકોએ તેને ઢોરમાર માર્યો હતો. આ સિવાય રોષે ભરાયેલી ભીડે કારને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ હતું. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારચાલક મૃત હાલતમાં પડ્યો હતો.
પોલીસે આ મામલે જણાવ્યું કે, અમને 9 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી. જુહાપુરામાં તે અનેક ગાડીઓને ટક્કર મારતા-મારતા આવ્યો હતો. હાલ ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. સીસીટીવીના આધારે અમે વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક મૂળ ભાવનગરનો છે અને હાલ ઈસનપુરનો રહેવાસી છે.