Jamnagar,તા.12
જામનગર શહેર કે જે છોટી કાશી ના ઉપનામ થી પ્રચલિત છે, અને શહેરમાં સૌથી વધુ મહાદેવજી ના મંદિરો ની સાથે સાથે હનુમાનજીના પણ અનેક નાના મોટા મંદિરોઅને ડેરીઓ આવેલી છે, જ્યાં આજે હનુમાન જયંતીની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને શહેરના પ્રત્યેક હનુમાન મંદિરોને ઝળહળતી રોશની તેમજ પધજાપતાકાથી શણગારવામાં આવ્યા હતા, તેમજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરે સૌપ્રથમ વહેલી સવારે મહા આરતી કરવામાં આવી હતી, અને અખંડ રામધૂનના જાપ, તેમજ ૧૦૮ ની દીપમાળા, સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ બાલા હનુમાનજીના મંદિરે દર્શનાર્થોની ભીડ જોવા મળતી હતી.
આ ઉપરાંત જી.જી. હોસ્પિટલ સામે આવેલા દાંડિયા હનુમાનજી મંદિર, ડીકેવી સર્કલ પાસે આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર, પંચેશ્વર ટાવર પાસે આવેલા રામદૂત હનુમાનજી મંદિર કિસાન ચોક વિસ્તારમાં આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર તેમજ જામનગર શહેરના અનેક નાના-મોટા હનુમાનજીના મંદિરો તથા ડેરીઓમાં ધૂન, ભજન, મહા આરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા, તેમજ ઠેર ઠેર બટુક ભોજન તેમજ મહાપ્રસાદ વગેરેના પણ આયોજન થયા હતા. અને હનુમાન જયંતીની છોટી કાશીમાં વિશેષ રૂપે ઉજવણી થઈ હતી.