Morbi,તા.04
મોરબી જીલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારીઓની ચાર ટીમોએ આજે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ૨૭ અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર મળી આવતા નિયમોનુસાર કાર્યવાહી કરવા વડી કચેરીને સુચના આપવામાં આવી છે
મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારી હળવદ અને પ્રાંત અધિકારી મોરબીની અધ્યક્ષતામાં કુલ-૦૪ ટીમો બનાવીને આજે સવારે ૧૦.૩૦ એ તપાસણી કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી, સીટી સર્વે કચેરી, ઔદ્યોગીક સલામતીની કચેરી, ના.કા.ઇ. સૌ.શાખા નહેરની કચેરીઓ, જળસિંચન પેટા વિભાગ મોરબીની કચેરી, કાર્યપાલક ઇજનેર, સિંચાઇની કચેરી, સ્ટેમ્પ ડ્યુટી કચેરી, આર.એફ.ઓ. કચેરી, ક્ષાર અંકુશ વિભાગ, મોરબી, મદદનિશ શ્રમ આયુક્તની કચેરીમાં અધિકારી/કર્મચારીઓની હાજરી બાબતે ચકાસણી કરતા
જે અન્વયે કચેરી સમય દરમિયાન વિવિધ કચેરીઓમાં તપાસણી સમયે કુલ ૨૭ અધિકારી/કર્મચારીઓ ગેરહાજર હતા. આ તપાસણી દરમિયાન જે અધિકારી/કર્મચારીઓ કચેરી સમય દરમિયાન કચેરીમાં ગેરહાજર હતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને દરેક સરકારી અધિકારી-કર્મચારીઓ નિયત સમયે તેમની કચેરીએ આવે અને પ્રજાલક્ષી કામગીરી કરે તેમજ નિર્ધારીત સમય સુધી કચેરીમાં બેસી કામગીરી કરે તે પ્રકારે કલેક્ટર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.