Gandhinagar,તા.૨૨
દુષ્કર્મના કેસના આરોપી અને પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને બચાવવા માટે ગાંધીનગર પોલીસે તમામ નિયમો નેવે મૂકી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વાસણા ચૌધરી ગામમાં ગજેન્દ્રસિંહ પરમાર હાથમાં લાગ્યો હોવા છતાંય પોલીસ આવી નહોતી અને તેની કારનો પીછો કરતા સમયે ફરિયાદી મહિલાને કારને અકસ્માત નડ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ગજેન્દ્ર સિંહ સામે મહિલા પર હુમલો કર્યાની ફરિયાદ નોંધવાને બદલે ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં રાજકીય દબાણ હેઠળ ગજેન્દ્રસિંહના ડ્રાઇવરની ફરિયાદ નોંધી હતી. જેમાં તેની સાથે કારમાં ગજેન્દ્રસિંહ ન હોવાનો ઉલ્લેખ કરીને આરોપીને છાવરવાનો પ્રયાસ કરાયો છે.
મહિલાએ તેનો પીછો કર્યો હતો. પરંતુ બમ્પ આવતા મહિલાની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટના પછી ગજેન્દ્રસિંહ ત્યાંથી કારમાં નાસી ગયો હતો. જ્યારે ડ્રાઇવર સંજય ઝાલા એક પીએસઆઇ સાથે ગાંધીનગર સિવિલમાં સારવાર માટે આવ્યો હતો. આ દરમિયાન સારવાર લેવા આવેલી મહિલા સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતનો કાયદાકીય રીતે ખોટો ઉપયોગ કરીને રાજકીય દબાણ કરીને મહિલા અને અન્ય એક વ્યક્તિ વિરૂદ્ધ સેક્ટર-૭ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ડ્રાઇવર સંજય ઝાલાએ કારમાં પોતે એકલા હોવાનું કહીને મહિલાએ અંગત કારણસર પીછો કર્યો હોવાનું કારણ દર્શાવીને કારમાં ગજેન્દ્રસિંહ સાથે ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ ગાંધીનગર પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી.
બીજી તરફ પીડિત મહિલા દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ગજેન્દ્રસિંહ વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે પહોંચી ત્યારે ત્યાં હાજર ડીવાયએસપી અને પીએસઆઇ પરમારે શુક્રવારે ફાર્મ હાઉસ પર પંચનામું અને તપાસ કર્યા બાદ ફરિયાદ લેવાનું કહ્યું હતું. પરંતુ દહેગામ પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી પણ સંજયની બીજી ફરિયાદ દહેગામ પોલીસ મથકે નોંધી હતી.