Rajkot,તા.2
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે પીએચ.ડી.માં કુલ 26 વિવિધ વિષયની ખાલી રહેલી 171 જગ્યા પર પ્રવેશ આપવા માટે કુલપતિની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી. જેમાં ભૂતકાળમાં નેટ, જી-સેટ પાસ કરી હોય તેઓ તથા યુનિવર્સિટીની પેટ પરીક્ષા પાસ કરી હોય અને પરીક્ષાની વેલિડિટી પૂરી થઈ ન હોય તેવા વિદ્યાર્થીઓને માત્ર ચાલુ વર્ષ માટે પ્રવેશ માટે લાયક ગણ્યા છે.
આ અંગેની વિગતવાર માહિતી આગામી દિવસોમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર પીએચ.ડી. પ્રવેશ સમિતિ દ્વારા મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D એડમિશનમાં NET ફરજિયાત બનાવવામાં આવ્યું હતું જેથી 171 જેટલી જગ્યાઓ ખાલી રહી હતી.
બાદમા સતાધિસોએ માત્ર NET, GSET પાસ ઉમેદવારો જ ખાલી સીટોમા રજીસ્ટ્રેશન કરાવી શકશે તેવો નિર્ણય કરવામા આવ્યો હતો જો કે આ નિર્ણયથી ભૂતકાળમા જે વિદ્યાર્થીઓએ સૌ.યુની.દ્વારા લેવાયેલી પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા (PET ) પાસ ઉમેદવારોમા નારાજગી ઊઠી જવા પામી હતી.
વિદ્યાર્થીઓના આ પ્રશ્નને કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુત અને તેઓની ટીમ દ્વારા કુલપતિને રજૂઆત કરી ધ્યાન દોરવામા આવ્યુ હતુ કે આવા મનગણત નિર્ણયો વિદ્યાર્થીઓ માટે નુકશાનકારક છે તમે PET પાસ ઉમેદવારોને પણ તક આપવી જોઈએ.
જો કે આ બાદ સતાધિસોએ મગનુ નામ મારી ના પાડતા કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરો મોટી સંખ્યામા કુલપતિ ઓફીસમા હોબાળો મચાવીને હલ્લાબોલ કર્યો હતો અને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવા માંગ કરી હતી.
કોંગ્રેસના આક્રમક વિરોધ બાદ કુલપતિએ અલગ અલગ ફેકલ્ટીના ડિનનો સમાવેશ કરી પીએચડીની પ્રવેશ સમિતિની રચના કરવામા આવી હતી અને આ પ્રવેશ સમિતિની બેઠક કુલપતિની અધ્યક્ષતામા ગઈકાલે મળી હતી જેમા ભૂતકાળમા પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરી છે અને જેઓ પાસે આજીવન એલિજિબિલિટી સર્ટિફિકેટ તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.