Morbi, તા.31
મોરબીમાં રહેતા યુવાનને ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપીને વિશ્વાસમાં લઇ તેની પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં 28.03 લાખ રૂપિયા જમા કરાવવામાં આવેલ હતા જો કે તેને કોઈ ફ્રેન્ચાઇઝી ન આવતા યુવાને ત્રણ મોબાઈલ અને બે બેંક એકાઉન્ટ ધારકો સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં-6 માં રહેતા હિરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા (37)એ મોબાઇલ નંબર 8961351994, 8981362249 અને 9679896521 ના ધારક તેમજ સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બેંક એકાઉન્ટ નંબર 5629903650 તેમજ યુકો બેંક એકાઉન્ટ નંબર 6820110053614 ના ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 19/9/24થી 23/20/24 દરમ્યાન મોરબીના મકનસર ગામે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખાતે આરોપોઓએ કાવતરુંં કરીને ફરીયાદીને વિશ્વાસમાં લીધેલ હતાં અને તેને ઝુડીયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી હતી.
ત્યાર બાદ ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવીને તેની પાસેથી અલગ અલગ તારીખે આરોપીઓના જુદાજુદા બેંક એકાઉન્ટમાં 28,03,500 નું રોકાણ કરાવ્યુ હતું પણ આરોપીઓએ ફરીયાદને આજદિન સુધી ફ્રેન્ચાઇઝી આપેલ નથી અને તેને આપેલા રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી આરોપીઓએ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અન છેતરપીંડી કરી હોવાની યુવાને જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.પોલીસે BNS કલમ 316(2), 318(4) 319(2), 61(2) તથા આઇટી એકટ કલમ 66 (સી), 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.