New Delhi,તા.21
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મમાં જાતિના ભેદભાવનો અંત લાવવા માટે ‘એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન’નો મંત્ર આપ્યો છે. મોહન ભાગવતે આદર્શો અપનાવીને સામાજિક સમરસતા માટે પ્રયાસો કરવા હાકલ કરી છે. મોહન ભાગવત પાંચ દિવસની અલીગઢ મુલાકાતે છે.જ્યાં તેમણે હિન્દુ સમાજમાં જાતિગત ભેદભાવનો અંત લાવવાની ભારપૂર્વક અપીલ કરી છે. અલીગઢની મુલાકાતે આવેલા મોહન ભાગવતે બે મુખ્ય શાખાઓ, એચબી ઇન્ટર કોલેજ અને પંચન નગરી પાર્ક ખાતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા.
અલીગઢમાં સ્વયંસેવકોને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું કે, ‘આપણે બધા વર્ગોને સમાન સન્માન આપવું પડશે. આ આપણો ધર્મ છે, આ આપણી સંસ્કૃતિ છે.’
મોહન ભાગવતે કહ્યું કે, ‘સ્વયંસેવકોને સામાજિક સૌહાર્દ વધારવા માટે ધાર્મિક વિધિઓ, પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યો પર ભાર મૂકવો જોઈએ. તેમજ આપણા તહેવારો માત્ર ઉજવણી નથી, પરંતુ તે સામાજિક એકતાના પ્રસંગો પણ છે. આથી તમામ વર્ગના લોકોને સાથે મળીને તહેવાર ઉજવવા જોઈએ. દુનિયા શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત તરફ જોઈ રહી છે. સમાજ પોતાની મેળે બદલાશે નહીં. આપણે ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરવો પડશે.’
મોહન ભાગવતે સંઘના શતાબ્દી વર્ષના મહત્ત્વ પર ભાર મૂક્યો અને સ્વયંસેવકોને તેમની દેશભક્તિ અને સાંસ્કૃતિક વારસા પર ગર્વ કરવા કહ્યું, ‘સ્વયંસેવકોએ દરેક ઘરમાં એકતા અને ભાઈચારાની ભાવના પેદા કરીને આ ભૂમિકા માટે પોતાને તૈયાર કરવા જોઈએ. તીજ જેવા તહેવારો સાથે મળીને ઉજવો, એકબીજાના ઘરે જાઓ અને સમાજના તમામ વર્ગના લોકોને આદર સાથે આમંત્રણ આપો. જેના કારણે સદભાવની ભાવના જાગશે.’