Vadodra,તા.24
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિમાં રાહત મળે તેને ધ્યાનમાં રાખી દેણા ગામ પાસે બફર તળાવનું ખોદકામ સીએસઆર ફંડમાંથી કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કર્યો હતો. તે બાદ આજે દેણા ગામ ખાતે મેયર પિન્કીબેન સોનીના હસ્તે તળાવ ખોદકામની કામગીરીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર ઊંડું કરવા માટી ખોદકામની કામગીરીમાં પણ લોક ભાગીદારીનો અભિગમ અપનાવવામાં આવ્યો છે જે કોઈ વ્યક્તિને માટીની જરૂરિયાત હોય તેવાને માટીનો જથ્થો વિના મુજે આપવામાં આવશે. જે અંગેની મંજૂરી રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગે તાજેતરમાં આપી દીધી હતી. વડોદરા પાસે દેણા ગામથી વિશ્વામિત્રી નદી વડોદરામાં પ્રવેશ કરે છે તે સ્થળે બફર તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 કરોડ લિટર પાણીનો જથ્થો સંગ્રહ કરી શકાશે. આ માટે પણ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કંપનીઓ પાસેથી સામાજિક સેવા માટે ફાળવવામાં આવતા સીએસઆર ફંડની માંગણી કરી હતી અને તે માંગણી કેટલી કંપનીએ સ્વીકારી છે. જેથી તળાવ ખોદકામનો ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો આવશે નહીં. આ તળાવના ખોદકામ બાદ જે પાણી સંગ્રહ થશે તે પ્રજા સુધી પહોંચે તે માટેનું પણ આયોજન વિચારવામાં આવી રહ્યું છે.
આજે સવારે દેણા ગામ ખાતે બપોર તળાવના ખોદકામની શરૂઆત કરવામાં આવી છે જે ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ થઈ જાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, જાગૃતિબેન કાકા સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.