સેલ્ફ ડ્રાયવમાં કાર ભાડેથી મેળવી મુંબઈથી ખેપ મારીને આવનાર શખ્સની રૂ. 17.95 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Rajkot,તા.25
રાજકોટ શહેર એસઓજીની ટીમે રૂ. 12.89 લાખના એમડી ડ્રગ્સ સાથે રાણાવાવના મુસ્તાક શેખની ધરપકડ કરી છે. સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડેથી મેળવી મુંબઈથી ખેપ મારી રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર ડિલિવરી આપવા આવેલા પેડલરને એસઓજીની ટીમે દબોચી લઈ રૂ.17.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધનને નશાના કાળા અંધારામાં ધકેલાતા બચાવી નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે એસઓજી પીઆઈ એસ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારની સંયુક્ત બાતમીના આધારે શહેરના નવા દોઢસો ફૂટે રીંગ રોડ ઉપર હોટલ રોયલ રીટ્રીટની બાજુમાં વર્ધમાન એવન્યુ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી 128.9 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂ.12. 89 લાખ સાથે મુસ્તાક રજાકભાઈ શેખ (ઉ.વ. ૩૩ રહે, રાણાવાવ હિન્દુસ્તાન ટ્રાન્સપોર્ટની સામે,પોરબંદર)ની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે મુસ્તાક પાસેથી ડ્રગ્સ, મોબાઈલ, કાર અને રોકડ મળી કુલ રૂ.17,95, 500નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુસ્તાક શેખ અગાઉ પણ બે વાર એનડીપીએસના ગુનામાં જામનગર ખાતે ઝડપાઈ ચૂક્યો છે. અગાઉ 60 ગ્રામ અને 54 ગ્રામ ડ્રગની ખેપ મારીને આવતા જામનગર પોલીસે તેને ઝડપી લીધો હતો અને એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ ફરીવાર મુસ્તાક શેખ સેલ્ફ ડ્રાયવમાં કાર ભાડે મેળવી મુંબઈથી ડ્રગ્સની ખેપ મારી ડિલિવરી આપવા આવતા રાજકોટ ખાતે 128. 9 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયો છે. હાલ યુનિવર્સિટી પોલીસે મામલામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.