Jamnagar તા ૧,
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ચોક્કસ બાતમી ના આધારે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી કારની અંદર બનાવેલા જુદા જુદા ૮ ચોર ખાનામાં સંતાડેલો ૫૬૨ નંગ નાની ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લઇ બે આરોપીઓની અટકાયત કરી છે. અને રૂપિયા ૫.૬૭ લાખ ની માલમત્તા કબજે કરી લીધી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના જ વતની બે શખ્સો દ્વારા એક કારમાં અલગ અલગ ચોર ખાના બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડી જામનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમી ના આધારે ગઈકાલે સાંજે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી, જે વોચ દરમિયાન જીજે ૨૭ સી.એમ. ૫૭૮૭ નંબરની બ્રેઝા કાર પસાર થતાં સફેદ કલરની બ્લેક પટાવાળી કારને એલસીબી ની ટુકડીએ રોકી હતી, અને તેની તલાસી લીધી હતી.
જે તલાસી દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ કશું મળ્યું નહતું, પરંતુ એલસીબી ની ટીમને ચોક્કસપણે બાતમી મળી હતી, કે કારની અંદર અલગ અલગ ચોર ખાનાઓ બનાવ્યા છે. જેથી કારચાલકની જીણવટભરી પૂછપરછ કરતાં આખરે કાર ચાલકે કબુલાત કરી લીધી હતી, અને પોતે કારમાં જુદા જુદા ૮ સ્થળે ચોરખાના બનાવી લીધા છે, અને તેમાં ઈંગ્લીશ દારૂ ની બાટલીનો જથ્થો સંતાડીને જામનગર લઈ જઈ રહ્યા છે.
પોલીસ દ્વારા તેઓ પાસે ચોર ખાના ખોલાવતાં કારના ચારેય દરવાજા કે જેને ડિસમિસ ની મદદ થી ખોલાવીને ચેક કરાવતાં તેની અંદર સંતાડેલી નાની ઇંગ્લિશ દારૂની બાટલીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તે ઉપરાંત કારની પાછળની ટેઈલ લાઈટ કે જે લાઇટ ને ખોલ્યા બાદ તેની અંદરના ખાંચામાં પણ ઇંગ્લિશ દારૂની નાની બાટલી નો જથ્થો સંતાડ્યો હતો. જ્યાંથી પોલીસે ખોલાવીને બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત કારના ડેસ્કબોર્ડ અને ડ્રાઇવિંગ સીટની નીચેના ભાગમાં અલગ અલગ ૮ સ્થળે ૫૬૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો સંતાડેલો હતો, જે તમામ દારૂ પોલીસે કબજે કર્યો હતો.
તેમજ કારના ચાલક જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતા અક્રમ મોહમ્મદ મકરાણી (ઉંમર વર્ષ ૩૫) તેમજ તેના સાથીદાર સાધના કોલોની માં રહેતા બીપીન સોમાભાઈ ચાવડા જે બંનેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, જ્યારે તેઓ પાસેથી ૫૬૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી, બે નંગ મોબાઈલ ફોન, અને કાર સહિત પ,૬૭,૨૦૦ ની માલમતા કબજે કરી લીધી
જામનગરમાં દારૂના ધંધાર્થીઓ પોલીસની નજરથી બચવા માટે નીત નવા નુસખાઓ અપનાવીને દારૂ ને ઘુસાડવાની પ્રવૃત્તિ કરે છે, તેવા જ દારૂના ધંધાર્થીઓની સામે એલસીબી ની ટીમ વધારે સતર્ક બની છે, અને દારૂના ધંધાર્થીઓની કારીગીરીને બહાર લાવી દીધી છે. કોઈને પણ ધ્યાન ન પડે, તે રીતે કારમાં અલગ અલગ ૮ ચોરખાનાઓ બનાવીને દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ એલસીબી ની ટિમને ચોક્કસ બાતમી મળી હતી, અને તેઓએ પૂરેપૂરી સતર્કતા દાખવી હતી, અને આખરે એક કારની અંદર સંતાડેલો ૫૬૨ નંગ જેટલો નાની બાટલી નો જથ્થો એક પછી એક બહાર કાઢી લીધો હતો.