સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન દ્વારા આ ફિલ્મનાં ટીવી બ્રોડકાસ્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
Mumbai, તા.૮
થોડાં અઠવાડિયા પહેલાં સુધી સાઉથ ઇન્ડિયન કલાકાર ઉન્ની મુકુંદન ચારે તરફ છવાઈ ગયો હતો. તેની હાઇપર વાયેલન્ટ ફિલ્મ ‘માર્કો’ બ્લોકબસ્ટર હિટ રહી હતી. ત્યારે આ ફિલ્મ નોન થિએટ્રીકલ રાઇટ્સમાં પણ મોટી કમાણી કરશે એવી શક્યતાઓ હતી, પરંતુ હવે આ ફિલ્મ થોડો મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન દ્વારા આ ફિલ્મનાં ટીવી બ્રોડકાસ્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, કારણ કે આ ફિલ્મ અતિ હિંસાત્મક છે. ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ દ્વારા ‘માર્કો’ના સેટેલાઇટ અધિકારોને નામંજુર કરવામાં આવ્યા છે. તેથી હવે આ ફિલ્મ ટીવી પર જોઈ શકાશે નહીં.એવાં પણ અહેવાલો છે કે સેન્સર બોર્ડ આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ પર પ્રતિબંધ મુકી શકે તેમ છે. હાલ તો આ ફિલ્મ ઓટીટી પ્લેટફર્મ સોની લિવ પર ઉપલબ્ધ છે. માર્કોના હિંસાત્મક દૃશ્યોએ ઘણી ચર્ચા જગાવી હતી, ખાસ તો કેરાલાના મુખ્યમંત્રીએ પણ ફિલ્મનાં ગ્રાફિકની ટીકા કરી હતી. આ ફિલ્મને મળેલાં મિશ્ર પ્રતિસાદ અંગે એક ઇન્ટરવ્યુમાં ઉન્ની મુકુંદને કહ્યું હતું, “હું રિવ્યુઝ વાંચું છું, કેટલાંકને ગમે છે, કેટલાંક નફરત કરે છે. પરંતુ સિનેમાનું કામ આવું જ ન હોવું જોઈએ? પ્રોત્સાહન આપો, પડકારો અને ચર્ચા શરૂ કરાવો.” તે એનિમલ સાથે પોતાની ફિલ્મની સરખામણીથી ખુશ હતો. માર્કોનું હિન્દુ વર્ઝન પણ હિટ રહ્યું હતું. ઉન્ની મુકુંદનનું કહેવું હતું કે આ ફિલ્મ હિન્દી બેલ્ટમાં ૩૦ શોથી શરૂઆત થઈ હતી. તેનાથી પહેલાં દિવસે માત્ર ૩૦૦૦૦ની જ આવક થઈ હતી, પરંતુ પાછળથી તેના ૩૦૦૦ શો થઈ ગયા હતા.