Ahmedabad,તા.07
ગુજરાતમાં ઉત્પાદન સહિતના એકમો ધરાવતી કંપનીઓને 85% કામદાર અને મેનેજર અથવા સુપરવાઈઝર કક્ષાએ 65% સુધીની ભરતી સ્થાનિક લોકોની જ કરવા માટે કાયદો લઈ આવવાની અશક્તિ જાહેર કરતા સરકારે સ્વીકાર્યુ કે, આ પ્રકારનો કાયદો એ બંધારણીય જોગવાઈનો ભંગ ગણાશે.
તેથી સરકારે 1995ના જાહેરનામાના આધારે આ પ્રકારે સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવા માટે કંપનીઓને જણાવી રહી છે. ધારાસભાએ વિપક્ષના આ સંબંધના અનેક પ્રશ્નના જવાબ આપતા ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કર્ણાટક અને હરિયાણાએ આ પ્રકારનો કાનૂન બનાવ્યો હતો.
પરંતુ તેનો અમલ કરી શકી નથી અને કાનૂન પરત લેવો પડયો. કારણ કે તે બંધારણીય જોગવાઈનો ભંગ કરે છે. પરંતુ ગુજરાતમાં રાજય સરકારે 31 માર્ચ 1995ના જે જાહેરનામુ બહાર પાડયુ છે તે મુજબ સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને તેનો અમલ કરવા માટે ઉદ્યોગોને જણાવાયુ છે.
આ નોટીફીકેશન મુજબ મેનેજર-સુપરવાઈઝર કક્ષાના 60% અને કામદાર સ્તરે 85% સ્થાનિકોને રોજગાર આપવો જરૂરી છે અને તેમાં સ્થાનિક એટલે કે ઓછામાં ઓછા 15 વર્ષથી ગુજરાતમાં રહેતા હોય તે નિશ્ચિત કરાયુ છે.
રાજય સરકાર જો કે આ જાહેરનામાનો અમલ કરાવવામાં સફળ રહી નથી તેવા વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા કહ્યું કે, દેશમાં રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે અને ઔદ્યોગીક ક્ષેત્રમાં રોજગારી દર 89થી 95% છે. 85% સ્થાનિકોને રોજગારીએ સતત પુછાતો પ્રશ્ન છે તેમાં પ્રથમ વખત રાજય સરકારે હવે શા માટે કાનૂન બનાવાતો નથી તે સ્પષ્ટતા કરી છે.