Maharashtra,તા.30
એક વર્ષ પહેલાં જ મૃત્યુ પામેલ અને સ્વેચ્છાએ નિવૃતિ લીધેલ શિક્ષકોની મહારાષ્ટ્રના નાસિકના સિન્નર તાલુકાની બે સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષક પદે નિયુક્તિ થતાં જિલ્લા પરિષદનો રેઢિયાળ કારભાર સામે આવ્યો છે.
ધોંડબારની સ્કૂલમાં કાર્યરત હતા, ત્યારે જ સચિન વાઘ નામક શિક્ષકનું સપ્ટેમ્બર 2023માં માંદગીને લીધે અવસાન થયું હતું. તો વિદ્યાનંદ તિડકેએ એક વર્ષ પહેલાં જ નિમગાંવ-સિન્નર સ્કૂલમાંથી સ્વેચ્છા નિવૃતિ લઇ લીધી હતી.
જિલ્લા પરિષદે વિજ્ઞાન વિષય ગ્રુપના ગ્રેજ્યુએટ પ્રાથમિક શિક્ષક પદે જિલ્લાના 56 શિક્ષકોની નિયુક્તિ કરી. આ બાબતનો આદેશ જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારીની સહી સાથે 27 જાન્યુઆરીના રોજ કાઢવામાં આવ્યો હતો તેમાં ભરતપૂર સ્થિત શાળામાં મૃતક સચિન વાઘની તો પાંગરીની શાળામાં સ્વેચ્છાનિવૃતિ લીધેલ વિદ્યાનંદ તિડકેની નિયુક્તિનો આદેશ અપાયો છે.
આ બનાવ સિન્નર પંચાયત સમિતિના શિક્ષણ વિભાગ અને જિલ્લા પરિષદના સમન્વયના અભાવે બન્યો છે પરંતુ તેને કારણે હવે આ બન્ને સ્કૂલોને નવા શિક્ષક મેળવવા માટે રાહ જોવી પૃડશે.
દરમિયન રિવર્શન પ્રક્રિયામાં શિક્ષકોને પૂર્વ પદે નિયુક્તિ આપવા શિક્ષણ વિભાગે શિક્ષકોની માહિતી અપડેટ કરવી જરૂરી હતી. સિન્નરના સંબંધિત શિક્ષણ અધિકારીઓએ અપડેટેડ અહેવાલ આપ્યાનો દાવો કર્યો છે, તો જિલ્લા પરિષદ દ્વારા તેનો ઇનકાર કરાયો છે.