Lucknow,તા.05
મહાકુંભમાં તા.29 જાન્યુઆરીના સર્જાયેલી ભાગદોડ તથા 30થી વધુ શ્રદ્ધાળુઓના મોતમાં હવે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે આ ભાગદોડ એક ષડયંત્ર જ હોવાનું જાહેર કરાશે. જે કોઈ દોષીત હશે તેની સામે આકરા પગલા લેવાની જાહેરાત કરી છે.
ભાગદોડના લગભગ એક સપ્તાહ બાદ યોગીએ આ રીતે કરેલી જાહેરાત એ જબરુ આશ્ર્ચર્ય સર્જયુ છે. શ્રી યોગીએ જણાવ્યું કે, આ દુર્ઘટનાની તપાસ માટે સરકારે એક તપાસ પંચની રચના કરી છે અને તેના જે કંઈ તારણ હશે તેના પરથી દોષીતોને શોધીને આકરી સજા કરાશે.
ગઈકાલે ભૂતાનના મહારાજા જીગ્મે વાંગચુંગ સાથે મહાકુંભમાં સ્નાન કર્યા બાદ શ્રી યોગીએ આ જાહેરાત કરી હતી. શ્રી યોગીએ કહ્યું કે, જયારે દેશ અને સમગ્ર વિશ્વ મહાકુંભને એક સફળ આયોજન તરીકે જોઈ રહ્યા છે અને તેને સનાતન ધર્મની એક ઓળખ પણ છે તે સમયે સમગ્ર આયોજનને બદનામ કરવા અનેક લોકોએ ‘સોપારી’ લીધી છે તેમનો આ આક્ષેપ સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ ભણી હતો.
જેઓએ આ પ્રકારની ભાગદોડને વહીવટી નિષ્ફળતા ગણાવી હતી. તેઓએ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે પર પણ પ્રહાર કરતા કહ્યું કે દેશના સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષના વડા પણ સંસદમાં બેજવાબદાર વિધાનો કરે છે અને તેમાં અખિલેશ યાદવ સાથે સ્પર્ધા કરીને સૌથી વધુ સનાતન વિરોધી કોણ તે સાબીત કરવા માંગે છે.