Prayagraj,તા.29
વિશ્વના સૌથી મોટા એક જ સ્થળના માનવ મહેરામણ તરીકે સ્થાન મેળવનાર મહાકુંભ 2025માં આજે મૌની અમાવસ્યાના પવિત્ર અમૃત સ્નાન પુર્વે જ ગઈકાલથી દેશભરમાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓએ મધરાત બાદ જ ગંગાના વિવિધ ઘાટો પર સ્નાન માટે પહોંચવા કરેલી ઉતાવળમાં મંગળવારની રાત્રી જ અમંગળ બની ગઈ છે.
મહાકુંભમાં પવિત્ર મનાતા બીજા અમૃત સ્નાનમાં પવિત્ર ત્રિવેણી સંગમના 12 કિલોમીટરના લાંબા ક્ષેત્રમાં મધરાતે 1.30 કલાકે અફવાના કારણે સર્જાયેલી ભાગદોડમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 17 લોકોના મૃત્યુ થયા છે અને સેકડો ઘવાયા છે.
ગઈકાલથી જ આજના પવિત્ર અમૃત સ્નાનમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને એક જ દિવસે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગાના કિનારે ઉમટયા હતા. રાજય સરકારે અગાઉથી જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા ઉમટશે તે નિશ્ચિત હતુ તેથી ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
પણ મધરાત બાદ કોઈ અફવાના કારણે અચાનક જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા બેકાબૂ બનીને બેરીકેડ તોડતા, પોલીસ બંદોબસ્તની તમામ વ્યવસ્થા છતા પણ કિનારાથી દુર જવાના પ્રયાસ કરતા મહિલા વ્યાપ સહિત સેકડો લોકો નાસભાગમાં પડી જતા તેના પરથી અન્ય શ્રદ્ધાળુઓ પસાર થતા 17થી વધુના મૃત્યુ થયા છે પણ જે રીતે આ નાસભાગ થઈ હતી તેમાં સેકડો ઈજાગ્રસ્ત થયા છે.
મધરાત બાદ પરીસ્થિતિ એવી ગંભીર હતી કે, રાહત બચાવ માટે અહી જે એમ્બ્યુલન્સનો કાફલો ઉભો રખાયો હતો તે પણ તેના ખાસ કોરીડોર મારફત મહાકુંભમાં જઈ શકયો ન હતો અને વહેલી સવાર સુધીમાં તો મહાકુંભમાં અનેક કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા.
મોટાભાગના લોકો જમીન પર બેસી ગયા હતા. પોલીસ જવાનોએ પણ ભીડને નિયંત્રીત કરવા પ્રયાસ કર્યા હતા પણ તે સફળ નિવડયો ન હતો. વ્યવસ્થા સંભાળવા માઈક પર વારંવાર લોકોને સૂચનાઓ અપાતી હતી પણ તે સાંભળવાની કોઈ તૈયારી ન હતી.
ખાસ કરીને પ્લાટુન પુલ નં.12 પાસે આ ઘટના બની હતી. આ દુર્ઘટનાના પગલે વહેલી સવારે જે તમામ અખાડાઓનું અમૃત સ્નાન હતું તે વિલંબમાં મુકવામાં આવ્યુ હતું અને અખાડામાં પણ જેઓ ઈજાગ્રસ્ત હતા તેમની મદદે દોડી ગયા હતા અને બાદમાં અમૃત સ્નાન આગળ વધારવા નિર્ણય લેવાયો હતો અને પહેલા શ્રદ્ધાળુઓ સ્નાન કરશે અને બાદમાં અખાડાના સાધુ-સંતો કરશે. સવારે 9 વાગ્યાથી સ્થિતિ સામાન્ય થવા લાગી છે.
બીજી તરફ પ્રયાગરાજમાં હવે ભીડ વધે નહી તેથી અહી આવતી તમામ ટ્રેનોને હાલ માર્ગમાં જ થંભાવી દેવાઈ છે. આજની આ દુર્ઘટનાના પગલે લાખો શ્રદ્ધાળુઓ હવે પરત જવા પણ ધસારો કરશે તેવો ભય છે તેથી રેલ્વે સ્ટેશન, બસ પોર્ટ સહિતના સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે તથા લોકોને કોઈપણ સ્થળે ધસારો નહી કરવા અપીલ કરવામાં આવી છે.
કુંભ દુર્ઘટના: ત્રણ કલાકમાં ચાર વખત યોગી સાથે વાત કરતા મોદી
સ્થિતિ પર સતત નજર: નવા સુરક્ષા ઉપાયો આવશે
પ્રયાગરાજના મહાકુંભમાં મંગળવારની રાત્રીના સર્જાયેલી ભાગદોડમાં ખબર મળતા જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ચાર કલાકમાંજ મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથ સાથે ચાર વખત વાતચીત કરી હતી અને કેન્દ્રની તમામ સહાયની ખાતરી આપી હતી.
વડાપ્રધાન શ્રી મોદીએ સમગ્ર ઘટનાક્રમની સમીક્ષા ઉચ્ચ અધિકારીઓ સાથે કરી હતી અને હજું કુંભમાં વધુ લોકો ઉમટશે તે જોતા વધારાના કયા સુરક્ષા ઉપાયો જરૂરી છે તે અંગે પણ એક અહેવાલ આપવા તાકીદ કરી છે. શ્રી મોદી તા.8ના રોજ કુંભ સ્નાન કરવા જઈ રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં તે અંગે પણ તૈયારી થશે.
સરકાર એકશનમાં: સંગમ નાકાનો આગ્રહ ન રાખી કોઈપણ તટે સ્નાન કરવા યોગીની અપીલ
તાબડતોડ બેઠકો: ડ્રોનથી દેખરેખનો આદેશ, ભીડ માલુમ પડયે વધારાની વ્યવસ્થા ગોઠવવા સુચના
મહાકુંભમાં ભાગદોડથી સર્જાયેલી કરૂણ દુર્ઘટનાને પગલે રાજયથી માંડીને કેન્દ્ર સરકાર તાબડતોડ એકશનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે સીનીયર અધિકારીઓ સાથે તાકીદની બેઠક કરીને બંદોબસ્ત વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
હવે ડ્રોનથી દેખરેખ રાખવાનો નિર્દેશ કર્યો હતો. ભીડ માલુમ પડયે વધારાના જવાનો તૈનાત કરવાની સૂચના આપી હતી. લોકોને પણ સંગમ નાકા તરફ જવાનો આગ્રહ નહીં રાખવા તથા જયાં હોય ત્યાં જ ગંગા સ્નાન કરી લેવાનો અનુરોધ કર્યો હતો.
પ્રયાગરાજના કુંભમેળામાં મૌની અમાવસ્યા પર કરોડો ભક્તોની ભીડમાં નાસભાગ થતાં અનેક જાનહાનિ થવાની આશંકા છે. તે જ સમયે, આ અકસ્માતમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ અખાડાઓએ કેટલાક કલાકો સુધી અમૃત સ્નાન રદ્દ કરી દીધું હતું. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમૃત સ્નાન માટે સંગમમાં આવતા શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે.
મુખ્યમંત્રી યોગીએ ભક્તોને માતા ગંગાના નજીકના ઘાટ પર સ્નાન કરવા અને સંગમ નાક તરફ જવાનો પ્રયાસ ન કરવાની અપીલ કરી છે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને વ્યવસ્થા કરવામાં સહકાર આપો. કોઈપણ અફવા પર ધ્યાન ન આપો.નાસભાગની ઘટના બાદ સંગમમાં આવતા ભક્તોને સંતો-મુનિઓ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે.
આધ્યાત્મિક ગુરુ દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, મૌની અમાવસ્યાનું સ્નાન ચાલી રહ્યું છે. આજે હું સંગમ ઘાટ પર નથી ગયો કારણ કે ત્યાં ઘણી ભીડ છે… આખું ’અમૃત’ ગંગા અને યમુનાના પ્રવાહમાં વહી રહ્યું છે. તમે ગંગા કે યમુનામાં ક્યાંય પણ સ્નાન કરશો તો તમને ’અમૃત’ મળશે. જરૂરી નથી કે તમારે સંગમમાં જ ડૂબકી મારવી પડે.
ભીડના કારણે એક બેરીકેડ તૂટી અને અફવા ફેલાઈ ગઈ હતી…
રાત્રી સુધીમાં જ 4.83 કરોડે કુંભ સ્નાન કરી લીધુ હતું
પ્રયાગરાજ: મહાકુંભમાં મૌની અમાવસ્યાના સૌથી મહત્વના ગણાતા સ્નાન માટે છેલ્લા બે દિવસથી જ ભારે ભીડ ઉમટી હતી અને ગઈકાલે બપોર બાદ અમૃત સ્નાન કરવાનો ધસારો થતા તથા મંગળવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં જ 4.83 કરોડ લોકોએ સ્નાન કરી લીધુ હતુ.
મધરાત સુધી તમામ વ્યવસ્થા યોગ્ય રીતે ચાલતી હતી પણ અચાનક એક સ્થળે ભીડના કારણે બેરીકેડ તૂટતા થોડા લોકો ટકરાયા હતા અને તુર્તજ અફવા ફેલાઈ ગઈ હતી તથા અન્ય ક્ષેત્રમાં પણ લોકો બેરીકેડ તોડીને નાસભાગ કરવા લાગ્યા હતા.
લાશ ખોવાઈ જવાનો ડર, મૃતદેહનો હાથ ન છોડયો
નાસભાગ બાદ ત્યાં હાજર સ્થાનિકો જોયેલું દ્રશ્ય ભયાનક હતું. લોકોનો સામાન, કપડાં, ચંપલ અને ચપ્પલ દરેક જગ્યાએ વેરવિખેર પડી ગયા હતા. ઘાયલો જમીન પર પડ્યા હતા અને મૃતદેહો પાસે સ્વજનો વિલાપ કરી રહ્યા હતા. કેટલાક તેમના પ્રિયજનોને શોધી રહ્યા હતા, તેમની પણ આંખોમાં આંસુ હતા.
કેટલાક લોકો તેમના પ્રિયજનોના મૃતદેહોને જવા દેતા ન હતા, તેઓને ડર હતો કે લાશ ખોવાઈ જશે. જ્યારે રેસ્ક્યુ ટીમ મૃતદેહને લઈ જવા લાગી ત્યારે તેના પરિવારના સભ્યો દોડી આવ્યા અને હાથ પકડી લીધો.નાસભાગ બાદ સ્વજનોના મૃતદેહ જોઈ લોકો ચીસો પાડવા લાગ્યા હતા.
લોકો મૃતદેહો વચ્ચે પોતાના પ્રિયજનોને શોધતા રહ્યા. મૃત્યુ પછી પણ અલગ થવાનો ડર. એટલી બધી ભીડ હતી કે એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.