કર્મયોગની શરૂઆત કરતાં પહેલાં તેની મહત્તા સમજાવતાં ભગવાન ગીતા(૨/૪૦)માં કહે છે કે..
નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત..
મનુષ્યલોકમાં આ સમબુદ્ધિરૂપ ધર્મના આરંભનો એટલે કે બીજનો નાશ થતો નથી અને તેના અનુષ્ઠાનનું અવળું ફળ પણ થતું નથી અને આ ધર્મનું થોડુંઘણું પણ આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી રક્ષણ કરે છે.
મનુષ્યલોકમાં મનુષ્ય જ સમબુદ્ધિ પ્રાપ્ત કરવાનો અધિકારી છે.મનુષ્ય સિવાય બીજી બધી ભોગ યોનિઓ છે,તેમાં વિષમતા(રાગ-દ્વેષ)નો નાશ કરવાનો અવસર જ નથી કેમકે ભોગ રાગ-દ્વેષપૂર્વક જ થાય છે.સંસારમાં વિષમતાનું હોવું એ જ વિપરીત ફળ છે.આ સમબુદ્ધિરૂપી ધર્મનું થોડુંક પણ અનુષ્ઠાન થઇ જાય, થોડી પણ સમતા જીવનમાં કે આચરણમાં આવી જાય તો મનુષ્ય આ જન્મ-મરણરૂપી મોટા ભયથી રક્ષણ કરી લે છે.ધર્મના બે પ્રયોજન છે દાન કરવું અને વર્ણાશ્રમ પ્રમાણે શાસ્ત્રોમાં જણાવેલાં પોતાના કર્તવ્યકર્મોનું તત્પરતાથી પાલન કરવું.
જેનામાં સમતા આવી જાય છે તે સિદ્ધ છે.સમતા બે પ્રકારની હોય છેઃઅંતઃકરણની સમતા અને સ્વરૂપ ની સમતા.સમરૂપ પરમાત્મા બધી જગ્યાએ પરીપૂર્ણ છે તેમાં જે સ્થિત થઇ ગયો તે સમગ્ર સંસાર ઉપર વિજ્ય પ્રાપ્ત કરી જીવનમુક્ત થઇ જાય છે.
આ શ્ર્લોકથી ફક્ત જ્ઞાનની વાતો કરનાર લુખાશથી ભરેલા ઉપાસકો માટે મનોમંથન કરવાના શ્ર્લોકો શરૂ થયા છે.જે કામ હાથ ધર્યુ છે તે વ્યર્થ જતુ નથી.આજે નહિ તો કાલે તેનું ચોક્કસ પરિણામ મળશે જ આ ગીતાનું વચન છે.જે લોકો સતત કાર્યશીલ છે,સતત પોતાના લક્ષ્ય સાથે ચીટકેલા છે,હંમેશા પ્રામાણિક પ્રયત્નો કરતા રહેલા છે અને વિશ્વાસ રાખતા રહેલા છે તે લોકોને કોઈપણ વાત પોતાના ઉદ્દેશથી દુર કરી શકતી નથી.વિરોધ વચ્ચે પણ તે પોતાનું કામ આગળ ધપાવતા જાય છે અને જે હંમેશા મુશ્કેલીઓ સામે ઝઝુમે છે તેને કોઈપણ પરિસ્થિતિ પરેશાન કરી શકતી નથી.
જે પોતાના ધર્મનું પાલન કરે છે તેનું મોટા ભયથી રક્ષણ થાય છે.ધર્મ એટલે વ્યક્તિધર્મ અને સમષ્ટિધર્મ.વ્યક્તિગત અને સામાજીક જવાબદારીઓ એ જ મારો ધર્મ.ઘેર હું દિકરો છું,પતિ છું,બાપ છું તેવી રીતે ઓફિસમાં બોસ છું..આવી રીતનો મારો દરેક ધર્મ (ફરજ) મારે તેની પવિત્રતાને ધ્યાનમાં લઈને પાળવો જોઈએ.જો આવું પદ્ધતિસરનું થોડુ પણ પાલન કરીશ તો વિવિધ પ્રકારનાં ભયથી મને રક્ષણ મળશે તેમ ભગવાન કહે છે.જે લોકો વિપરિત પરિસ્થિતિમાં ભણ્યા છે,સંજોગો સામે લડ્યા છે,સતત પ્રયત્ન કરતા રહ્યા છે તે જ લોકો ઈતિહાસ લખે છે-આ જ વાસ્તવિકતા છે.હિંમતથી કામ કરે છે,વિરોધ વચ્ચે પણ મક્કમ રહે છે,ધ્યેય તરફ સતત વધે છે તે લોકો સફળ થાય છે-આ આપણે જાણીએ છીએ.પ્રાર્થના-પ્રયત્ન અને પ્રતિક્ષા સતત કરતા રહે છે તે લોકો જ દિવ્ય બને છે તો આવો આપણે નક્કી કરીએ કે જવાબદારીથી ભાગવાના બદલે તેના માટે પ્રયત્નશીલ રહીશું.
સાધકની દ્રઢતા-મક્કમતા વિશે સમજાવતાં ભગવાન ગીતા(૨/૪૧)માં કહે છે કે..
વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરૂનંદન
બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોઽવ્યવસાયિનામ્
હે કુરૂનંદન ! આ સમબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે.જેમનો એક નિશ્ચય નથી એવા માણસોની બુદ્ધિ અનંત અને ઘણા પ્રકારની હોય છે.જીવન સાધનાના ક્ષેત્રમાં સાધકમાં દ્રઢ નિશ્ચય જરૂરી હોય છે.વારંવાર ઇષ્ટદેવ,સાધનામાર્ગ બદલ બદલ કરવાથી કશું ફળ મળતું નથી.લાલચું અને ફળની ઉતાવળવાળો દ્રઢતા રાખી શકતો નથી.
કર્મયોગી સાધકોનું લક્ષ્ય જે સમતાને પ્રાપ્ત કરવાનું રહે છે તે સમતા પરમાત્માનું સ્વરૂપ છે. જ્ઞાનયોગમાં પહેલાં સ્વરૂપનો બોધ થાય છે પછી એના પરીણામસ્વરૂપ બુદ્ધિ આપોઆપ એક નિશ્ચયવાળી બની જાય છે અને કર્મયોગ તથા ભક્તિયોગમાં પહેલાં બુદ્ધિનો એક નિશ્ચય થાય છે પછી સ્વરૂપનો બોધ થાય છે.આમ જ્ઞાનયોગમાં જ્ઞાન મુખ્ય છે અને કર્મયોગ તથા ભક્તિયોગમાં એક નિશ્ચય મુખ્ય હોય છે.જેઓના અંતરમાં સકામભાવ હોય છે અને જેઓ ભોગ અને સંગ્રહમાં આસક્ત હોય છે તેઓને અવ્યવસાયી કહે છે.
આ માર્ગ પર જે લોકો દ્રઢતાથી ચાલે છે તેને જ સફળતા મળે છે કારણ કે તેની કૃતિની દિક્ષા અને ધ્યેયની દિક્ષા ભગવદનિષ્ઠાથી પરિપક્વ બને છે અને તેથી કર્મયોગ આ લોકોના દરેક પગલે છતો થાય છે.અહિં કર્મયોગની વાત ભગવાન કરે છે.જે પોતાનાં વિચારો લુખા તત્વજ્ઞાનના બદલે વિચારો કાર્યાન્વિત કરે છે તેની બુદ્ધિ વ્યવસાયિક બુદ્ધિ કહેવાય.
ઈતિહાસમાં એક કવિ હર્ષ થઈ ગયાં.એક વખત પંડિતો સાથે તેમણે વેદોનાં તત્વજ્ઞાનની ચર્ચા કરવાની હતી.ચર્ચાનાં વિરામ વખતે પંડિતોએ કહ્યું કે તમારા વિચારો સરસ છે પણ અમે તે સમજી શકતા નથી.અમે હાર્યા નથી પણ તમારી વાત અમે સમજી શકતાં નથી. એ વખતે કવિ હર્ષને થયું કે જો પંડિતો મારી વાત ન સમજી શકતાં હોય તો સામાન્ય લોકો કેવી રીતે સમજી શકશે? આ વિચારે તેમને વ્યાકૂળ બનાવ્યા.કવિ હર્ષએ સરસ્વતી માતાની ઉપાસના કરી અને માઁ ને પ્રાર્થના કરી કે મારી બુદ્ધિ થોડી ઓછી કર કેમકે પંડિતોને પણ હું સમજાવી શકતો નથી. કેટલું વિરલ ચરિત્ર છે ! આજ સુધીના ઈતિહાસમાં દરેકે ભગવાન પાસે બુદ્ધિ માંગી છે જ્યારે કવિ હર્ષ પોતાની બુદ્ધિ સરળ બને તેવી પ્રાર્થના કરી હતી. કહેવાનો અર્થ એટલો છે કે સિદ્ધાંતો જીવનમાં ગ્રહણ કરી શકાય તેવી રીતની બુદ્ધિ કાર્યાન્વિત થવી જોઈએ.આ બુદ્ધિ પરિણામલક્ષી હોય પણ એક ધ્યેય પર ન ચોંટે તો કરેલી મહેનતનું ફળ મળતું નથી.કોઈપણ કામમાં એકાગ્રતા ન હોય તો તેનું પરિણામ અપેક્ષા મુજબનું મળતું નથી.ધ્યેય નક્કી હોવું જોઈએ,બુદ્ધિ જીવનમાં સિદ્ધાંતો સમજાવી શકે તેવી હોવી જોઈએ.આપણા ઋષિઓએ મેધાવી બુદ્ધિ માંગતાં પ્રાર્થના કરી છે કે..
આયુર્બલ યશોવર્ચ પ્રજા પશૂન વસૂનિ ચ
બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાં ચ ત્વન્નો દેહિ વનસ્પતે
તમે આયુષ્ય,બળ,યશ,તેજસ્વીપણું,પ્રજા,પશુઓ અને ધન તેમજ બ્રહ્મને જાણવાની અને સમજવાની ઉંચી, તેજસ્વી બુદ્ધિ અમોને આપો.આવી બુદ્ધિ જેની નથી તે લોકો બધે ભટકતા ફરે છે.એક વાત પર ચીટકી બેસવાને બદલે સિદ્ધાંત-પદ્ધતિ અને પ્રવૃત્તિનો ભાર લઈને ફરે છે.જેમણે ઉપદેશો આપવા સિવાય કંઈ કરવું નથી તેની બુદ્ધિમાં દુર્ગંધ આવે છે.પદ છોડવા માંગતા નથી,સમાજસેવા ને જ સર્વસ્વ સમજનારા આવા લોકો એક ધ્યેય પર ન ચીટકી બેસતા ફક્ત વાતો કરે છે.સમાજને વક્તા નહિ પણ કાર્યકર્તા જોઈએ છે જે દરેક વર્ગને સાથે લઈને પ્રયોગાત્મક દ્રષ્ટિથી સિદ્ધાંતો સરળ ભાષામાં સમજાવીને બહુજન સમુદાયને લઈને આદર્શ જીવન જીવી બતાવે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)